લંડનઃ કેરળના કોચીથી લંડન જઇ રહેલી એર ઇન્ડિયી ફ્લાઇટમાં બોમ્બની ધમકી આપનાર યુવાનની કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ પોલીસ દ્વારા ધરપકડ કરાઇ હતી. માલાપ્પુરમના 29 વર્ષીય સુહૈબે એર ઇન્ડિયાને ધમકી આપ્યાનું સામે આવ્યા બાદ પોલીસે તેને કસ્ટડીમાં લઇ પૂછપરછ શરૂ કરી હતી.
સુહૈબ કોચીથી લંડનની ફ્લાઇટમાં પ્રવાસ કરવાનો હતો. એરપોર્ટ પર તેની વર્તણુંક શંકાસ્પદ જણાતા પોલીસ એલર્ટ થઇ હતી. પોલીસે તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે સુહૈબે તેના ઇ-મેલ એકાઉન્ટમાંથી એક દિવસ અગાઉ એર ઇન્ડિયાને બોમ્બની ધમકી આપી હતી. સુહૈબના પરિવારજનોની પણ પોલીસ દ્વારા પૂછપરછ ચાલી રહી છે.
એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર સોમવારે મોડી રાત્રે મુંબઇ ખાતેના એર ઇન્ડિયાના કોલ સેન્ટરને ઇમેલ મોકલીને બોમ્બની ધમકી અપાઇ હતી. ધમકી અપાઇ ત્યારે એર ઇન્ડિયાની આ ફલાઇટ દિલ્હીથી કોચિન એરપોર્ટ આવવા રવાના થઇ ગઇ હતી. ફ્લાઇટ કોચી પહોંચી કે તરત વિમાનને પાર્કિંગ એરિયામાં લઇ જઇ તપાસ હાથ ધરાઇ હતી પરંતુ આ ધમકી પોકળ સાબિત થઇ હતી.
સુહૈબે જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ભોજન લીધા પછી મારી દીકરી બીમાર થઇ ગઇ હતી તેથી તેણે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા બોમ્બની ધમકી આપતો ઇમેલ કર્યો હતો.