નવી દિલ્હી, લંડનઃ ભારતનું ટાટા ગ્રૂપ તેના ઈન્ટરનેશનલ નેટવર્કને વધુ મજબૂત બનાવવા જઈ રહ્યું છે ત્યારે તેની માલિકીની અગ્રણી એરલાઈન અને સૌથી મોટા વૈશ્વિક એરલાઈન કોન્સોર્ટિયમ સ્ટાર એલાયન્સની સભ્ય એર ઈન્ડિયા દ્વારા લંડન ગેટવિક એરપોર્ટ સુધી 12 સાપ્તાહિક ફ્લાઈટ્સ તેમજ લંડન હીથ્રો એરપોર્ટ માટે 5 વધારાની સેવા 26 માર્ચથી શરૂ કરવા જાહેરાત કરાઈ છે.
એર ઈન્ડિયા અમદાવાદ, અમૃતસર, ગોવા અને કોચી જેવાં શહેરોમાંથી ગેટવિક એરપોર્ટ સુધી સપ્તાહમાં ત્રણ વખત એટલે કે 12 ફ્લાઈટની સેવા ઓપરેટ કરશે અને તે યુકેના બીજા ક્રમના સૌથી મોટા એરપોર્ટ સુધી ડાયરેક્ટ ફ્લાઈટ ઓફર કરનારી એકમાત્ર શિડ્યુલ્ડ એરલાઈન છે. નવી અને વધારાની ફ્લાઈટ્સનો આરંભ 26 માર્ચથી કરાનાર છે. હીથ્રો એરપોર્ટ માટે વધારાની પાંચ ફ્લાઈટની સાથે નવી દિલ્હીથી સાપ્તાહિક ફ્લાઈટ્સની સંખ્યા 14થી વધીને 17 થશે જ્યારે મુંબઈથી સાપ્તાહિક ફ્લાઈટ્સની સંખ્યા 12થી વધીને 14 થશે.
આ ઉપરાંત, એર ઈન્ડિયા દ્વારા દર સપ્તાહે અમૃતસર અને દિલ્હીથી યુકેના બર્મિંગહામ સુધી દર સપ્તાહે ત્રણ ફ્લાઈટ ઓપરેટ કરે છે. હાલમાં એર ઈન્ડિયા યુકે સુધી દર સપ્તાહે 32 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે.
હીથ્રો એરપોર્ટની માફક જ ગેટવિક એરપોર્ટ પરથી પણ પેસેન્જર્સને યુકેના મોટરવે સાથે સીધા સાંકળી લેવાની સુવિધા પ્રાપ્ત થાય છે જેના પરિણામે, લંડન અને સાઉથ-ઈસ્ટ લંડન સુધી કાર અથવા કોચ મારફત પ્રવાસની સગવડ મળે છે. આ ઉપરાંત, સાઉથ ટર્મિનલથી 24x7 ડાયરેક્ટ રેલવે સુવિધા મળતી હોવાથી પ્રવાસીઓ અડધા કલાકથી પણ ઓછાં સમયમાં સેન્ટ્રલ લંડન પહોંચી શકે છે.
એર ઈન્ડિયા યુએસએ, કેનેડા, યુકે, યુરોપ, ફાર-ઈસ્ટ, સાઉથ-ઈસ્ટ એશિયા, ઓસ્ટ્રેલિયા અને ગલ્ફ દેશો સહિતના ક્ષેત્રોમાં નેટવર્ક ધરાવે છે. એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર,‘આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન નકશા પર પોતાની પાંખો ફેલાવવાની વર્તમાન કામગીરી અને તેના થકી ઈન્ટરનેશનલ રૂટ્સ પર તેનો બજારહિસ્સો વધારવાનો પ્રયાસ છે. ઓપરેશન્સને મજબૂતપણે વધારવા તે એર ઈન્ડિયાના ટ્રાન્સફોર્મેશનલ રોડ મેપ Vihaan.AIના મુખ્ય સ્તંભોમાં એક છે.
લેજન્ડરી ઉદ્યોગપતિ જેઆરડી ટાટા દ્વારા પ્રારંભ કરાયેલી એર ઈન્ડિયાએ 15 ઓક્ટોબર 1932ના દિવસે પ્રથમ ફ્લાઈટ શરૂ કરી હતી. આઈ પછી સરકારે તેનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. સરકારી માલિકીના એકમ તરીકે 69 વર્ષ રહ્યા પછી એર ઈન્ડિયા જાન્યુઆરી 2022થી પુનઃ ટાટા ગ્રૂપ પાસે આવી છે.