લંડનઃ એનએચએસની હોસ્પિટલોમાં પ્રસુતિ માટે આવતી એશિયન મહિલાઓ સાથે મિડવાઇફ કર્મચારીઓ દ્વારા રેસિસ્ટ વ્યવહાર કરાતો હોવાના આરોપ મૂકાયા છે. વેસ્ટ મિડલેન્ડ્સની એક હોસ્પિટલમાં મિડવાઇફ કર્મચારીઓ પ્રસુતિની પીડામાં રાહત માટે પેઇન રિલીફની માગ કરતી એશિયન મહિલાઓને એશિયન રાજકુમારીઓ કહીને સંબોધે છે. મેટરનિટી કેરમાં આ પ્રકારના રેસિસ્ટ વ્યવહાર માટે એનએચએસ અધિકારીઓ દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરાઇ છે.
હેલ્થ સર્વિસ જરનલ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ અનુસાર ટ્રેઇની મિડવાઇફ કર્મચારીઓ તેમના સીનિયર સ્ટાફ દ્વારા થતા એશિયન રાજકુમારીઓ સંબોધનને જોતાં હોય છે. કેટલાંક તો એમ કહેતાં હોય છે કે આ બધી એશિયન મહિલાઓ એકસમાન હોય છે. આ રાજ્યાશ્રય વાંચ્છુઓ આપણી સિસ્ટમને બગાડી રહી છે.
કેટલીક ટ્રેઇનીએ એનએચએસના અધિકારીઓને જણાવ્યું હતું કે, કેટલાંક કર્મચારી અશ્વેત અને એશિયન મહિલાઓ સાથે સારો વ્યવહાર કરતાં નથી. તેમાં પણ વિશેષ જ્યારે તેમની ફર્સ્ટ લેંગ્વેજ અંગ્રેજી ન હોય ત્યારે તેમનો વ્યવહાર અત્યંત ખરાબ હોય છે. માનસિક સમસ્યાઓ ધરાવતી મહિલાઓ સાથે તેમનો વ્યવહાર કટાક્ષથી ભરેલો હોય છે.