કિગાલીઃ યુકેમાં નવા લેબર પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે બોટ્સમાં ઈંગ્લિશ ચેનલ ઓળંગી આવતા ગેરકાયદે માઈગ્રન્ટ્સ કે એસાઈલમ સીકર્સને રવાન્ડા મોકલવાની યોજના અભરાઈએ ચડાવી દીધા પછી રવાન્ડા સરકારે જાહેર કર્યું છે કે 270 મિલિયન પાઉન્ડની સમજૂતી રદ કરવામાં કોઈ રિફંડ કે વળતર અપાશે નહિ. રવાન્ડાએ એગ્રીમેન્ટમાં પોતાની ભૂમિકા બરાબર અદા કરી જ છે. ઉલ્લેખનીય છે કે કન્ઝર્વેટિવ સરકારે રવાન્ડા સ્કીમ હેઠળ માઈગ્રેશન અને આર્થિક વિકાસ ભાગીદારી અન્વયે 270 મિલિયન પાઉન્ડનો ખર્ચો કરેલો છે.
યુકેના નવા હોમ સેક્રેટરી યૂવેટ કૂપરે ખર્ચ કરાયેલી કેટલીક રકમ પરત મેળવવાની આશા સાથે આ યોજનાનું ઓડિટ કરવા આદેશ આપ્યો છે. લેબર પાર્ટીએ રવાન્ડા યોજનાના સ્થાને હોડીઓમાં ચેનલ ઓળંગવામાં સંડોવાયેલી ક્રિમિનલ ગેંગ્સને તોડી પાડવા બોર્ડર સિક્યોરિટી કમાન્ડ દાખલ કરવા વિશે જણાવ્યું છે.
રવાન્ડા સરકારે સ્પષ્ટ કર્યું છે કે યુકેએ ગેરકાયદે માઈગ્રેશન કટોકટીના નિવારણ માટે આ ભાગીદારી શરૂ કરી હતી. આ સમસ્યા યુકેની હતી, રવાન્ડાની નહિ.અહીં આવતા શરણાર્થીઓ અને માઈગ્રન્ટ્સને સલામતી, ગૌરવ અને તક પૂરી પાડવા સહિત ઉપાયો શોધવા રવાન્ડા પ્રતિબદ્ધ છે. રવાન્ડાએ એગ્રીમેન્ટની પોતાની કામગીરી બરાબર નિભાવી છે. રવાન્ડા-યુકે માઈગ્રેશન પાર્ટનરશિપના કો-ઓર્ડિનેટર ડોરિસ યુવિસીઝા પિકાર્ડે જણાવ્યું ચે કે રિફંડ આપવાની રવાન્ડાની કોઈ જ જવાબદારી નથી. ખરેખર તો કોઈ પક્ષની રિફંડ માગવા કે આપવાની જવાબદારી રહેતી નથી. આમ છતાં. યુકે સરકાર રિફંડની વિનંતી કરશે તો વિચારાશે.
અગાઉ, રવાન્ડાના પ્રેસિડેન્ટ પોલ કાગામેએ કહ્યું હતું કે કોઈ એસાઈલમ સીકર નહિ આવે તો તેમની સરકાર નાણા પરત કરશે. જોકે, 4 વોલન્ટીઅર માઈગ્રન્ટ્ને રવાન્ડા મોકલી અપાયા હતા.