લંડનઃ 1 ઓક્ટોબરથી બ્રિટનમાં મોટાભાગના પરિવારોના એનર્જી બિલ માસિક સરેરાશ 12 પાઉન્ડ અને વાર્ષિક સરેરાશ 149 પાઉન્ડના વધારા સાથે 1717 પાઉન્ડ પર પહોંચી જશે. ઓફજેમ દ્વારા એનર્જી પ્રાઇસ કેપમાં 10 ટકાનો વધારો કરાયો છે. હાલમાં એનર્જી પ્રાઇસ કેપ 1568 પાઉન્ડ છે.
એનર્જી વોચડોગ ઓફજેમ દ્વારા જાન્યુઆરી 2023 પછી પહેલીવાર પ્રાઇસ કેપમાં વધારો કરાયો છે. જાન્યુઆરી 2023માં એનર્જી પ્રાઇસ કેપ વાર્ષિક 4279 પાઉન્ડ પર પહોંચી ગઇ હતી. જેના પગલે તત્કાલિન ટોરી સરકારને સબસિડી આપવાની ફરજ પડી હતી જેથી એનર્જી બિલ સરેરાશ 2500 પાઉન્ડ પ્રતિ વર્ષ સુધી મર્યાદિત રહે.
આગામી શિયાળાથી એનર્જી બિલમાં વધારો થતાં લાખો પરિવારો પરનો આર્થિક બોજો વધશે. ઓફજેમના સીઇઓ જોનાથાન બ્રિયરલીએ જણાવ્યું હતું કે, અમે જાણીએ છીએ કે આ વધારો ઘણા પરિવારો માટે મુશ્કેલ બની રહેવાનો છે. જેમને પણ એનર્જી બિલ ચૂકવવામાં મુશ્કેલી પડે તેઓ તેમને પ્રાપ્ત થતાં બેનિફિટ્સ મેળવવાનો પ્રયાસ કરે. તેઓ મદદ માટે એનર્જી કંપનીનો પણ સંપર્ક કરી શકે છે.
ઓફજેમે સ્ટેન્ડિંગ ચાર્જિસ ઘટાડવાની યોજના પણ તૈયાર કરી છે. ઓફજેમ દ્વારા ડેઇલી સ્ટેન્ડિંગ ચાર્જની ગણતરીમાં મહત્વના બદલાવ કરાશે. ઓફજેમ દ્વારા નક્કી કરાયેલી પ્રાઇસ કેપ અનુસાર ઓક્ટોબરથી ડેઇલી સ્ટેન્ડિંગ ચાર્જ વીજળી માટે 60.99 પેન્સ અને ગેસ માટે 31.66 પેન્સ રહેશે.