લંડનઃ સરકાર દ્વારા વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ બંધ કરવાની કવાયત વચ્ચે ઓક્ટોબરથી ગેસ અને વીજળીના બિલોમાં વધારો થઇ ગયો છે. ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં ચોક્કસ માત્રામાં ગેસ અને વીજળીની ખપત કરતા પરિવારોએ હવેથી પ્રતિ વર્ષ 1717 પાઉન્ડ ચૂકવવા પડશે. પરિવારના વાર્ષિક એનર્જી બિલમાં 10 ટકા એટલે કે 149 પાઉન્ડનો વધારો થયો છે.
શિયાળો નજીક આવી રહ્યો છે અને ઓછી આવક ધરાવતા પરિવારોને સરકાર તરફથી કોઇ વધારાની સહાય પ્રાપ્ત થવાની નથી. તે ઉપરાંત સરકાર દ્વારા 10 મિલિયન પેન્શનરોને અપાતું વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
બીજીતરફ એનર્જી કંપનીઓ કહી રહી છે કે અમે નબળાં અને ગરીબ પરિવારોને મદદ કરી રહ્યાં છીએ. ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં 27 મિલિયન પરિવારોને એનર્જી બિલ ઓફજેમ દ્વારા નક્કી કરાતી પ્રાઇસ કેપના આધારે ચૂકવવાના હોય છે. ઓફજેમ દ્વારા દર 3 મહિને પ્રાઇસ કેપ નક્કી કરાય છે. 2024માં એપ્રિલ અને જુલાઇમાં પ્રાઇસ કેપમાં ઘટાડો થયો હતો પરંતુ ઓક્ટોબરથી ફરી એકવાર પ્રાઇસ કેપમાં વધારો થતાં સરેરાશ યૂઝર માટે એનર્જી બિલમાં માસિક 12 પાઉન્ડનો વધારો થવા જઇ રહ્યો છે.
છેલ્લા પાંચ વર્ષમાં ઉદ્યોગો માટેના વીજદરોમાં 124 ટકાનો તોતિંગ વધારો
વિશ્વના વિકસિત દેશોમાં બ્રિટિશ કંપનીઓ સૌથી વધુ વીજળીના દર ચૂકવી રહી છે. સરકારાના જ આંકડા પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ માટેના વીજળીના દરમાં છેલ્લા પાંચ વર્ષમાં 124 ટકાનો તોતિંગ વધારો થયો છે. બ્રિટનમાં બિઝનેસ અને કંપનીઓ માટેના વીજળીના દર જર્મની અને ફ્રાન્સ કરતાં 50 ટકા અને અમેરિકા કરતાં ચાર ગણા વધારે છે. આ આંકડા બ્રિટિશ ઉદ્યોગોના ભાવિ અંગે ગંભીર ચિંતાજનક છે. વીજળીના ઊંચા દર સ્થાનિક મેન્યુફેક્ચરરોને ગંભીર અસર કરી રહ્યાં છે. બીજીતરફ લેબર સરકાર ઉદ્યોગોને ગેસના સ્થાને વીજળીનો ઉપયોગ કરવા દબાણ કરી રહી છે.