લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીના ચાન્સેલરપદની ચૂંટણીમાં કુલ 38 ઉમેદવારોમાં ભારતીય મૂળના 3 ઉમેદવારનો સમાવેશ થાય છે. ચાન્સેલરપદ માટેના ઉમેદવારોમાં શિક્ષણશાસ્ત્રીઓ, રાજકીય નેતાઓ, બિઝનેસ લીડર્સનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું પરંતુ તેમની ઉમેદવારી નકારી કાઢવામાં આવી છે.
ઓક્સફર્ડના ચાન્સેલરપદની રેસમાં સામેલ ભારતીય મૂળના ઉમેદવારોમાં બ્રેકનેલ ફોરેસ્ટના સૌપ્રથમ ભારતીય મૂળના મેયર અંકુર શિવ ભંડારી, ઇન્ટરનેશનલ આંત્રપ્રેનિયોરશિપના પ્રોફેસર નિર્પાલ સિંહ પોલ ભાંગલ અને મેડિકલ પ્રોફેશનલ પ્રતીક તરવાડીનો સમાવેશ થાય છે.
આ ચૂંટણી મેદાનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ નેતા લોર્ડ વિલિયમ હેગ, લેબર પાર્ટીના પૂર્વ નેતા લોર્ડ પીટર મેડલસન સહિતના રાજકીય નેતાઓ પણ ઉતર્યા છે.
હવે યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઓનલાઇન ઇલેક્શનમાં લોર્ડ પેટનના અનુગામીની પસંદગી કરશે. હોંગકોંગના પૂર્વ ગવર્નર રહી ચૂકેલા લોર્ડ પેટન છેલ્લા 21 વર્ષથી ઓક્સફર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે ફરજ બજાવી રહ્યાં હતાં.