લંડનઃ ઓક્સફર્ડ ડિક્શનરી દર વર્ષે તેની નવી આવૃત્તિમાં હિંદીના કેટલાક પ્રચલિત શબ્દોનો સમાવેશ કરે છે. ખાસ કરીને ભારતમાં હિંદી અને ઇંગ્લિશ બંને ભાષાના લોકો દ્વારા બોલચાલમાં ઉપયોગ કરાતા શબ્દોને ડિક્શનરીમાં સ્થાન અપાય છે. ડિક્શનરીની તાજેતરમાં લોન્ચ કરાયેલી નવી આવૃત્તિમાં ‘દેશ’ અને ‘બિંદાસ સહિત 800 નવા શબ્દોને સામેલ કરાયા છે.
ઓક્સફર્ડે નવી આવૃત્તિમાં દેશ અને બિન્દાસ ઉપરાંત દિયા, બચ્ચા અને અલમીરા જેવા શબ્દોને પણ શબ્દકોષમાં ઉમેર્યા છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસના જણાવ્યા અનુસાર હવે ભારતીય અંગ્રેજીની આ ડિક્શનરીમાં સામેલ વિશ્વભરમાં બોલાતા ઉચ્ચારોની આવૃત્તિની સંખ્યા વધારી 16 કરી છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં લગભગ 13 કરોડ લોકો ઇંગ્લિશ બોલે છે અને ડિક્શનરીમાં નવા શબ્દોના સમાવેશથી હિંદી અને ઇંગ્લિશ વચ્ચેનો ગેપ ઘટ્યો છે.
ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી (ઓઇડી)ના ઉચ્ચારોના એડિટર ડો. કેથરીન સેંગેસ્ટરે જણાવ્યું હતું કે, “જ્યારથી અમે બ્રિટિશ અને અમેરિકન ઇંગ્લિશને આગળ ધપાવવા તેમાં ઓડિયોનો સમાવેશ કર્યો છે ત્યારથી ભારતીય ઇંગ્લિશ અમારી સૌથી મોટી પ્રાથમિકતા અને પડકાર રહ્યા છે. ભાષાની મુશ્કેલીઓને પહોંચી વળવા અમે એક ‘ટ્રાન્સકિપ્શન મોડલ’ વિકસાવ્યું છે. હવે ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીમાં ઇંગ્લિશના વધુ પ્રકારો માટે ઉચ્ચારો સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘દેશ’ અને ‘બિંદાસ’ સહિત કુલ 800 શબ્દોનો ડિક્શનરીમાં સમાવેશ કરાયો છે. જેમાં દિયા (દિવાળી જેવા ધાર્મિક તહેવારોમાં પ્રચલિત), બચ્ચા (બાળક, યુવા પ્રાણી) અને અલમીરા (ઊભું કબાટ કે સ્ટોરેજ યુનિટ) જેવા શબ્દો પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે, ઓઇડી 2016થી વૈશ્વિક સ્તરે બોલાતા ઇંગ્લિશના જુદા જુદા ઉચ્ચારોની રીતમાં ફેરફાર કરી રહી છે. તેને લીધે નવા શબ્દો ઉમેરી તેનું વિસ્તરણ પણ કરવામાં આવી રહ્યું છે. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીની ઇંગ્લિશ એડિટર ડેનિસા સાલાજારે જણાવ્યું હતું કે, “ભારતમાં જે ઇંગ્લિશ બોલાય છે તેના શબ્દોને ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીમાં સમાવેશ દુનિયાભરમાં ઇંગ્લિશ બોલતા લોકો માટે ઘણો મહત્વનો રહેશે. આ એક મહત્વનું પગલું છે. તેને લીધે ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીને પણ તેના વિસ્તરણમાં બહુ મદદ મળશે.”