લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી ભારતના એક હિન્દુ સંતની 500 વર્ષ જૂની પ્રતિમા ભારતને પરત કરશે. તિરુમનકારી અલવરની કાંસાની બનેલી આ પ્રતિમા હાલ યુનિવર્સિટીના એશમોલીન મ્યુઝિયમ ખાતે રખાયેલી છે. આ પ્રતિમા પરત મેળવવા માટે યુકે સ્થિત ભારતીય હાઇ કમિશનના માધ્યમથી દાવો કરાયો હતો. તિરુમનકારી અલવર દક્ષિણ ભારતના હિન્દુ સંત અને તામિલ કવિ હતા. એમ માનવામાં આવે છે કે એક ભારતીય મંદિરમાંથી આ પ્રતિમા અહીં લાવવામાં આવી હતી.
એશમોલીન મ્યુઝિયમે એક નિવેદનમાં જણાવ્યિં હતું કે, ઓક્સફર્ડ યુનિવર્સિટીની કાઉન્સિલે ભારતીય હાઇ કમિશન દ્વારા કરાયેલા દાવાને સમર્થન આપ્યું છે. હવે આ નિર્ણય મંજૂરી માટે ચેરિટી કમિશનને મોકલી અપાશે.