લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીએ આગામી ચાન્સેલરની ચૂંટણીના ઉમેદવારોમાંથી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની બાદબાકી કરી નાખી છે. તેના કારણે ચાન્સેલરપદની ચૂંટણી લડવા માટે ઇમરાન ખાનને રોકી દેવામાં આવ્યા હોવાની અટકળો પ્રબળ બની છે. ઇમરાન ખાનની ટીમે યુનિવર્સિટીને પત્ર લખીને સવાલ કર્યો છે કે ચાન્સેલરપદના જાહેર કરાયેલી 38 ઉમેદવારોની યાદીમાં ઇમરાન ખાનને શા માટે સામેલ કરાયા નથી. આ યાદીમાં લોર્ડ મેન્ડલસન અને લોર્ડ હેગ જેવી રાજકીય હસ્તીઓ સામેલ છે.
ઇમરાન ખાનના સહાયક સૈયદ ઝુલ્ફી બુખારીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીનો નિર્ણય અત્યંત હતાશાજનક છે. ઇમરાન ખાનની ટીમ ઓક્સફર્ડ યુનિવર્સિટીના ચાન્સેલરપદની ચૂંટણીમાં ઉમેદવારી માટે ઇમરાન ખાન યોગ્યતા ધરાવે છે કે નહીં તે માટે કાયદાકીય સલાહ લઇ રહી છે. સંખ્યાબંધ લોયર, બેરિસ્ટર અને કેસીની સલાહ પ્રમાણે અમે આગળ વધી રહ્યાં હતાં. ટોચના વકીલોનું કહેવું છે કે શા માટે ઇમરાન ખાન ઉમેદવારી ન કરી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2022માં પાકિસ્તાનમાં વડાપ્રધાનપદ ગુમાવ્યા પછી ઇમરાન ખાન પર ભ્રષ્ટાચાર સહિત શ્રેણીબદ્ધ આરોપ મૂકાયા છે.