લંડનઃ ભારતીય વિદ્યાર્થીઓએ ગયા ગુરુવારે ઓક્સફર્ડ યુનિયનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુનિયન ખાતે કાશ્મીર પર એક ચર્ચાનું આયોજન કરાયું હતું. ચર્ચાનો મુદ્રાલેખ હતો આ ગૃહ સ્વતંત્ર કાશ્મીરની તરફેણ કરે છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીની ડિબેટિંગ સોસાયટી ઓક્સફર્ડ યુનિયન દ્વારા આ ચર્ચાનું આયોજન કરાયું હતું. જેમાં કાશ્મીરના રાજકીય દરજ્જા પર ચર્ચા કરાઇ હતી. ભારતીય વિદ્યાર્થીઓએ ઓક્સફર્ડ યુનિયન દ્વારા પસંદ કરાયેલા પેનલિસ્ટની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ચર્ચાની પેનલમાં કાશ્મીર ફ્રીડમ મૂવમેન્ટ અને જસ્ટિસ ફાઉન્ડેશનના અગ્રણી કાશ્મીરી ડો. મુઝમ્મિલ અયુબ ઠાકુરને સામેલ કરાયા હતા. ડો. ઠાકુર કાશ્મીર પર ભારતના આધિપત્યનો વિરોધ કરે છે. તે ઉપરાંત આ પેનલમાં જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના પ્રોફેસર ઝફર ખાન પણ સામેલ હતાં.
બીજીતરફ ચર્ચામાં પ્રેમ શંકર ઝા, યુસુફ કુંડગોલ અને સિદ્ધાંત નાગરથનો સમાવેશ કરાયો હતો. ઓક્સફર્ડ યુનિયને જણાવ્યું હતું કે, બ્રિટિશ સંસ્થાનવાદના કારણે વારસામાં મળેલી કાશ્મીર સમસ્યા 1947થી ભારતીય ઉપખંડને પરેશાન કરી રહી છે અને તેના કારણે ઘણા યુદ્ધ પણ લડાઇ ચૂક્યાં છે. શું સ્વતંત્ર કાશ્મીર આ સમસ્યાનો ઉકેલ બની શકે...
બ્રિટિશ હિન્દુ અને ભારતીયોનું પ્રતિનિધિત્વ કરતી સામાજિક સંસ્થા ઇનસાઇટ યુકેએ પણ કાશ્મીર પરની ચર્ચાનો વિરોધ કરતાં ઓક્સફર્ડ યુનિયનને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી હતી. ઇનસાઇટ યુકેએ પેનલમાં સામેલ કરાયેલા કાશ્મીરની આઝાદીના સમર્થકોના આતંકવાદ સાથેના સંબંધો પર સવાલો ઉઠાવ્યા હતા. સંસ્થાએ પત્રમાં જણાવ્યું હતું કે, ડો. ઠાકુર ઉશ્કેરણીજનક નફરતી ભાષણો કરતા રહ્યા છે અને આતંકવાદ સાથે સંકળાયેલા સંગઠનો સાથે પણ તેમના સંબંધો છે.