લંડનઃ પીએચડીની એક ભારતીય વિદ્યાર્થિનીએ ઓક્સફર્ડ યુનિવર્સિટી પર તેને મંજૂરી વિના જ માસ્ટર્સના કોર્ષમાં બળજબરીથી ધકેલી દેવાનો આરોપ મૂક્યો છે. ભારતના તામિલનાડુની લક્ષ્મી બાલક્રિશ્નન અનુસ્નાતક સ્તરની બે ડિગ્રી હાંસલ કરી છે. તેણે અભ્યાસ પાછળ એક લાખ પાઉન્ડ ખર્ચી નાખ્યા છે.
લક્ષ્મીએ આરોપ મૂક્યો હતો કે અભ્યાસના પ્રથમ વર્ષમાં અરજી કરી ત્યારે મારા થિસિસનો વિષય મંજૂર કર્યા બાદ યુનિવર્સિટીની ઇંગ્લિશ ફેકલ્ટીએ મારી સાથે અન્યાય કર્યો છે. અભ્યાસના ચોથા વર્ષમાં મારા વિષયને નકારી કાઢવામાં આવ્યો હતો. યુનિવર્સિટીએ મને પીએચડી પ્રોગ્રામમાંથી હટાવીને મારી મંજૂરી વિના જ મને માસ્ટર લેવલના કોર્ષમાં સામેલ કરી દીધી હતી. મને મારી સાથે દગો થયાની અનુભૂતિ થઇ રહી છે. મેં ભારતમાં જ અનુસ્નાતક સ્તરની બે ડિગ્રી હાંસલ કરી છે અને ઓક્સફર્ડમાં પીએચડી માટે મેં 1 લાખ પાઉન્ડ ચૂકવ્યાં છે. લક્ષ્મીએ જણાવ્યું હતું કે વિદેશમાં અભ્યાસ કરવા આવનાર હું મારા પરિવારની પહેલી વ્યક્તિ છું.
ઓક્સફર્ડ યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થીને અગાઉથી જણાવી દેવામાં આવે છે કે તેમની સફળતા તેમના અભ્યાસમાં થઇ રહેલી પ્રગતિ પર આધારિત રહેશે. થિસીસને મંજૂરીનો આધાર વિદ્યાર્થીની પ્રગતિ પર રહેલો છે. દુર્ભાગ્યે તમામ વિદ્યાર્થીને આ સફળતા મળતી નથી. જે વિદ્યાર્થીને યુનિવર્સિટીના નિર્ણયથી સંતોષ ન હોય તે અપીલમાં જઇ શકે છે.