અગાઉ કેમ્બ્રિજના વાઈસ ચાન્સેલર લેસ્ઝેક બોરિસિયેવિઝે કન્ઝર્વેટિવ પાર્ટીની ઈમિગ્રેશન નીતિની આકરી ટીકા કરી હતી, હવે પ્રોફેસર હેમિલ્ટન તેમાં સામેલ થયા છે.
યુનિવર્સિટી ખાતે સાથી એકેડેમિક્સ સમક્ષ વાર્ષિક સંબોધનમાં પ્રોફેસરે કહ્યું હતું કે,‘ હું જ્યારે પણ વિશ્વમાં અને ખાસ કરીને ચીન અને ભારત પ્રવાસ કરું છું ત્યારે એક પ્રશ્ન ઘૂમરાયા કરે છે કે યુકેએ વિદ્યાર્થીઓના પ્રવેશની વિરોધી વિઝા સિસ્ટમ શા માટે અપનાવી છે? આ પ્રશ્ન મને પણ મૂંઝવે છે. દાયકાઓમાં પ્રથમ વખત આપણી યુનિવર્સિટીઓમાં ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે, જેમાંના મોટા ભાગના ભારતના છે. આપણે તેમના અને આપણા પ્રત્યે શા માટે આવું વર્તન કરીએ છીએ? ’ નોબેલ પ્રાઈઝ વિજેતા બ્રિટિશ વિજ્ઞાની જ્હોન ઓ’કીફીએ વિદેશમાંથી શ્રેષ્ઠ વિજ્ઞાનીઓની ભરતી કરવામાં ઈમિગ્રેશન નિયમો ભારે અવરોધક હોવાની ચેતવણી આપ્યાના બીજા જ દિવસે વાઈસ ચાન્સેલરની ટીકા આવી છે.
માનવીઓ પોતાને કેવી રીતે ચોક્કસ દિશામાં વાળે છે તે અંગે નોંધપાત્ર સંશોધન બદલ જ્હોન ઓ’કીફીને ૨૦૧૪નું નોબેલ પારિતોષિક એનાયત કરાયું છે. તેમણે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું હતું કે, યુસીએલના ન્યૂરલ સર્કિટ્સ એન્ડ બિહેવિયર વિશે નવા સેઈન્સબરી વેલકમ સેન્ટરના સ્થાપક ડિરેક્ટરની ભૂમિકામાં તેમણે ૧૫૦ ન્યૂરોસાયન્ટિસ્ટ્સની ભરતી કરવાની હતી. વિજ્ઞાન ઈન્ટરનેશનલ છે અને શ્રેષ્ઠ વિજ્ઞાનીઓ ઘરઆંગણે અથવા વિશ્વના કોઈ પણ સ્થળેથી મળી શકે છે. આપણે તેને સરળ બનાવવાની જરૂર છે.’