નવી દિલ્હીઃ ભારત ખાતેના યુકેના હાઇ કમિશ્નર લિન્ડી કેમરને એક સમારોહને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આગામી દાયકામાં ભારત લો કોસ્ટ ગ્રીન ટેકનોલોજીના વિકાસનું નેતૃત્વ કરી શકે છે. ભારત આ ટેકનોલોજી ગ્લોબલ સાઉથના વિકાસમાં અન્ય દેશોને પણ આપી શકે છે.
ક્લાઇમેટ એજન્ડા અંતર્ગત બોલતાં લિન્ડીએ જણાવ્યું હતું કે, ભારત સોલર પાવર પર આધારિત બનીને પ્રદૂષણમાં ઘટાડાનો નમૂનો રજૂ કરી શકે છે. ભારત પાસે મેન પાવર, સંશોધનો અને ટેકનોલોજીનો ભંડાર છે. તે ઓછી ખર્ચાળ ટેકનોલોજી વિકસાવવાની ક્ષમતા ધરાવે છે. અમને ખુશી છે કે યુકે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનો સભ્ય છે અને ભારત જેવા દેશો સાથે મળીને આ દિશામાં કામ કરી રહ્યો છે.
કેમરને જણાવ્યું હતું કે, ભારત ઓછી ખર્ચાળ અને કાર્બન ઉત્સર્જન ઘટાડે તેવી ટેકનોલોજીનો માર્ગ તૈયાર કરી રહ્યો છે. આ સેક્ટરમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટની વિપુલ તકો રહેલી છે. આગામી વર્ષોમાં યુકે વિકાસશીલ દેશોને આર્થિક સહાયનું વચન આપે છે. વિકાસની ભારતની મહત્વાકાંક્ષાને પૃથ્વીની જવાબદારી લાદીને નિયંત્રિત કરી શકાય નહીં.