લંડનઃ આમ તો, સમગ્ર વિશ્વમાં મેદસ્વિતા (ઓબેસિટી)ની સમસ્યા વકરી રહી છે પરંતુ, બ્રિટનની ઓળખ ‘ફેટ મેન ઓફ યુરોપ’ તરીકે છે. આવી ખરાબ ઓળખને નેસ્તનાબૂદ કરવાના આશયે બોરિસ જ્હોન્સન સરકારે નવી રણનીતિ જાહેર કરાઇ છે.
કોરોના મહામારીથી થતા મૃત્યુમાં સ્થૂળતા પણ એક મોટાં કારણ તરીકે ઉભરી હોવાથી બ્રિટન સરકારે લોકોની સ્થૂળતા ઘટાડવા અને તેમને તંદુરસ્ત બનાવવા સોમવારથી મોટું અભિયાન શરૂ કર્યું છે.
આ એક મોટું પગલું ગણાય છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ખુદ સ્વીકાર્યું છે કે પોતે કોરોના પોઝિટિવ જાહેર થયા અને તેમને હોસ્પિટલમાં લઇ જવાયા ત્યારે તે બહુ સ્થૂળ હતા. હવે સાજા થયા બાદ તેઓ વજન ઘટાડવા પ્રેરાયા છે. તેઓ રોજ તેમના ડોગી સાથે મોર્નિંગ વોક પર જાય છે. કોરોનામુક્ત થયા બાદ તેઓ અડધા કિલોથી વધુ વજન ઘટાડી ચૂક્યા છે.
અનેક નિયંત્રણો લદાયા
નવી રણનીતિ બાદ સ્ટોર્સમાં એન્ટ્રી ગેટ અને ચેકઆઉટ જેવાં મુખ્ય સ્થળોએ ગળ્યા અને ચરબી વધારે તેવા ખાદ્ય પદાર્થો રાખવાનું પ્રતિબંધિત થઇ ગયું છે. ટીવી અને ઓનલાઇન પ્લેટફોર્મ પર રાત્રે ૯ વાગ્યા પહેલાં જંક ફૂડની જાહેરાત નહીં કરી શકાય. આરોગ્ય માટે જોખમી ખાદ્ય પદાર્થો પર ‘બાય વન ગેટ વન ફ્રી’ સ્કીમ નહીં આપી શકાય. સરકાર આલ્કોહોલ ડ્રિન્ક પર કેલરી કાઉન્ટ લગાવવા અંગે પણ પરામર્શ કરી રહી છે.
૬ બિલિયન પાઉન્ડનો બોજ
દેશ સમક્ષ સૌથી ખરાબ આરોગ્ય સમસ્યામાં ઓબેસિટી અથવા તો મેદસ્વિતા પણ એક છે. સ્થૂળતાની સમસ્યાનું નિરાકરણ લાવવાની યોજનાની વિગતો આપતા મિનિસ્ટરોએ જણાવ્યું હતું કે વધુ વજન ધરાવતા લોકો જો પાંચ પાઉન્ડ વજન પણ ઘટાડશે તો કોરોના વાઈરસ જેવા સૌથી ખરાબ જોખમો સામે રક્ષણ આપવામાં મદદરૂપ બનશે તેમજ NHSને બિલિયન્સ પાઉન્ડની બચત થશે.
હાલ સ્થૂળતાલક્ષી બીમારીઓના કારણે NHSને દર વર્ષે ૬ બિલિયન પાઉન્ડનો બોજો આવે છે. સ્વીટ્સ અને સ્નેક્સના પ્રમોશન્સ પર વિજ્ઞાપન પ્રતિબંધો અને નિયંત્રણો મદદરૂપ બનશે. સારા અને આરોગ્યપ્રદ ખોરાકને પ્રમોટ કરવા માટે લોકોને વધુ પ્રમાણમાં ફળો અને શાકભાજી ખરીદવા પ્રોત્સાહન આપવા સબસિડી પણ આપી શકાય છે.
દર ત્રણમાંથી એક બાળક સ્થૂળ
ઓબેસિટીના ટાઈમ બોમ્બને ડિફ્યુઝ કરવાની ઉતાવળ કોવિડ-૧૯ના વધેલા જોખમ સાથે મોતનું પ્રમાણ સંકળાવાથી સર્જાઈ છે. વધુ પડતા વજન સાથે જીવતા લોકો માટે જેમ બોડી માસ ઈન્ડેક્સ (BMI) વધતા જાય તેમ કોવિડ-૧૯થી મોત અથવા ગંભીર બીમારીનું વ્યાપક જોખમ હોવાનું બહાર આવ્યું છે. ઈન્ટેન્સિવ કેર યુનિટમાં કોવિડ-૧૯થી ગંભીરપણે બીમાર પેશન્ટ્સમાં લગભગ ૮ ટકા પેશન્ટ અતિશય મેદસ્વી હતા. સામાન્ય વસ્તીમાં આ પ્રમાણ ૨.૯ ટકાનું છે. ઈંગ્લેન્ડમાં આશરે બે તૃતિયાંશ (૬૩ ટકા) લોકો સ્થૂળ છે. આ જ રીતે ત્રણમાંથી એક બાળક પ્રાઈમરી સ્કૂલમાંથી બહાર આવે ત્યારે ભારે સ્થૂળ થઈ ગયું હોય છે.
સ્વસ્થ જીવનશૈલી માટે બેટર હેલ્થ કેમ્પેઇન
અત્યાર સુધી બાળકોની સ્થૂળતા ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરાતું હતું તેના બદલે હવે પુખ્ત વયના લોકો પણ વજન ઘટાડે તે નવી નીતિનું હાર્દ છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા નવા ‘બેટર હેલ્થ’ કેમ્પેઈનનું લોન્ચિંગ પણ કરાયું છે જેમાં, લોકોને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અને જરૂર લાગે તો વજન ઘટાડવાની હાકલ કરવામાં આવશે. કમરનો ઘેરાવો કેવી રીતે ઓછો કરવો તેની સલાહો આપતી એપ્સ અને પુરાવાઓ આધારિત સાધનસામગ્રીની સહાય પણ મળશે.
ગરીબી અને પૌષ્ટિક આહાર વિશે અજ્ઞાન
ઓછાં નાણા ધરાવતા લોકો મોટા ભાગે સસ્તાં તેમજ ભરપૂર ફેટ, સોલ્ટ અને સુગર ધરાવતા ફૂડ ખાય છે. તેઓ ગ્રીન ગ્રોસર્સ કરતા વધુ પ્રમાણમાં ટેકઅવે ચિકન શોપ્સ હોય તેવાં વિસ્તારોમાં રહેતા હોય છે. કયો ખોરાક પૌષ્ટિક છે કે તેમને કઈ રીતે રાંધવો તેની જાણકારી ધરાવતા હોતા નથી. તેમનું જીવન ખાસ સક્રિય હોતું નથી. મોટા ભાગના લોકો સંકડાશવાળી જગ્યાઓમાં રહે છે. નજીકમાં ગાર્ડન કે સ્પોર્ટ્સ સુવિધાઓનો પણ અભાવ હોય છે. તેઓ ચાલવા જઈ શકે પરંતુ, શહેરના અંદરના ગીચ ટ્રાફિકવાળા વિસ્તારોમાં તે મુશ્કેલ બની રહે છે.
એમ્સ્ટર્ડમ મોડેલ સિટી
કેટલાક દેશોએ આ સમસ્યાનું નિરાકરણ લાવવા યોગ્ય પ્રયાસો કર્યા છે. વિશ્વમાં કોઈ પણ સ્થળે ખરાબ આરોગ્યના મૂળમાં ગરીબી અને આહાર વિશે નબળું શિક્ષણ રહ્યું છે જેનું નિરાકરણ લાવવામાં આવતું નથી. આ બાબતે યુરોપમાં એમ્સ્ટર્ડમને મોડેલ સિટી ગણવામાં આવે છે જ્યાં સ્થૂળતાની સમસ્યા નિવારવા વિવિધ આહાર સંસ્કૃતિ ધરાવતી ઈમિગ્રન્ટ કોમ્યુનિટીઓ સહિત સૌથી ગરીબ પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. શહેરમાં ફૂડ ન્યુટ્રિશનિસ્ટ્સને કામે લગાવાયા હતા જેમણે વંશીય લઘુમતી પરિવારોને તેમની પસંદગીઓની વાનગીઓને કેવી રીતે આરોગ્યપ્રદ રાંધી શકાય તે શીખવાડ્યું હતું. આ લોકોની ગરીબી - વંચિતતા દૂર કરવા સાથે સ્થૂળતાના પ્રમાણમાં પણ વાસ્તવિક ઘટાડો જોવા મળ્યો છે. ચીલિએ તાજેતરમાં ચરબી, ખાંડ અથવા સોલ્ટનું વધુ પ્રમાણ ધરાવતા ફૂડ્સ પર ડ્રામેટિક વોર્નિંગ લેબલ્સ ફરજિયાત બનાવ્યા છે. શાળાઓમાં આવા ખોરાક પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
જંક ફૂડના અતિરેક વિશે ચેતવણી
સ્થૂળતાને નજરઅંદાજ કરી ન શકાય તેમ દાયકાઓથી કહેવાતું આવે છે. છેક ૨૦૦૭ના ફોરસાઈટ રિપોર્ટમાં જંક ફૂડના અતિરેક વિશે ચેતવણી આપવામાં આવી હતી. આવી અનેક ચેતવણીઓ આવી હતી પરંતુ, ટાઈપ-ટુ ડાયાબીટિસનું આસમાને જતું પ્રમાણ અને NHSના જંગી બિલ્સ જે કરી શક્યા નહિ તે કોવિડ-૧૯ મહામારીએ કરી બતાવ્યું છે. તેણે દર્શાવ્યું છે કે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સહિત કોઈના પણ આરોગ્ય માટે સ્થૂળતા મોટો દુશ્મન છે.
કોરોના મહામારીથી થતા મોતમાં સ્થૂળતા પણ એક મોટાં કારણ તરીકે સામે આવ્યું હોવાથી સ્થૂળતા વિરુદ્ધની કાર્યવાહી મોટું પગલું ગણાય છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ખુદ સ્વીકાર્યું છે કે કોરોના પોઝિટિવ થયા બાદ તેમને હોસ્પિટલમાં લઇ જવાયા ત્યારે તેઓ બહુ સ્થૂળ હતા. હવે સાજા થયા બાદ તેઓ વજન ઘટાડવા પ્રેરાયા છે.
સ્થૂળતાવિરોધી રણનીતિમાં શું છે?
• ટીવી અને ઓનલાઇન પ્લેટફોર્મ પર રાત્રે ૯ વાગ્યા પહેલાં જંક ફૂડની જાહેરાત પર પ્રતિબંધ
• ‘બાય વન ગેટ વન ફ્રી’ (bogof) ઓફર્સ પર અંકુશ
• સ્ટોર્સમાં એન્ટ્રી - એક્ઝિટ પર સ્વીટ્સ આપી નહિ શકાય (જોકે, ઘણા સુપરમાર્કેટ દ્વારા સ્વૈચ્છિકપણે આનો અમલ કરાયો છે)
• ઘરથી બહાર ખવાતા તમામ ફૂડ્સ પર કેલરીનું પ્રમાણ દર્શાવવું ફરજિયાત
• રેસ્ટોરાં, કાફે અને ટેકઅવે માટે તમામ ખાદ્યપદાર્થો પર કેલરી લેબલ લગાડવા પડશે
• આલ્કોહોલના વપરાશ સંદર્ભે પરામર્શ લેવાશે. કોકટેલમાં પણ ચીઝબર્ગર જેટલી ધરખમ કેલરી હોય છે તે લોકો જાણતા નથી.
• સ્ટોર્સને ફળો અને શાકભાજી પર વધુ ડિસ્કાઉન્ટ આપવા પ્રેરિત કરાશે
• વજન ઘટાડવામાં મદદ કરનારા ડોક્ટર્સને ઇન્સેન્ટિવ અપાશે.
• કોવિડ-૧૯એ આપેલી ચેતવણીના પગલે લોકો વજન ઘટાડે, સક્રિય બને અને સારો ખોરાક ખાય તે સમજાવવા નવું અભિયાન
• સરકાર વેઇટ મેનેજમેન્ટ સર્વિસ વધારશે. જીવનશૈલી બહેતર બનાવવા માટે વધુ મોબાઇલ એપ્સ લોન્ચ કરાશે.