લંડનઃ સામાન્યપણે કોઇ વ્યક્તિના જીવનપ્રસંગો કે આત્મકથાની રજૂઆતની વાત આવે ત્યારે આપણા મગજમાં કોઇ પુસ્તક કે પછી ફિલ્મનો વિચાર આવે છે. તેનું કારણ છે કે લગભગ તમામ આત્મકથાઓ પુસ્તક સ્વરૂપે જ હોય છે. પરંતુ અહીં રજૂ થયેલી તસવરોની વાત અલગ છે. અહીં જે તસવીરો રજૂ કરાઇ છે તે એક એવા મકાનની છે જે તેના માલિકના જીવનપ્રસંગોને રજૂ કરે છે. આ મકાન વેસ્ટ લંડનમાં આવેલું છે અને ૫૫ વર્ષની કૈરી રિચર્ડે ૨૦ વર્ષની મહેનતથી તેને તૈયાર કર્યું છે. રંગબેરંગી મોઝેઈક આર્ટ સાથેનું આ મકાન કલાનો ઉત્કૃષ્ઠ નમૂનો બની ગયું છે.
પાંચ બેડરૂમ ધરાવતા આ મકાનને મહિલા પોતાનું ઓટોબાયોગ્રાફિકલ ટેટુ ગણાવે છે કારણ કે તેણે પોતાના જીવનની મહત્ત્વની ઘટનાઓને મોઝેઇક આર્ટમાં વણી લીધી છે. વેસ્ટ લંડનના ચિઝિકમાં આવેલા આ મકાનને મોઈઝેક આર્ટ વડે ડિઝાઈન કરવામાં મહિલાને ૨૦ વર્ષનો સમય લાગ્યો છે. ૧૯૯૭ના વર્ષમાં આ મહિલાએ મોઝેઈક આર્ટ વડે પોતાનો ગાર્ડન તૈયાર કર્યો તે પછ તેને મકાનને પણ મોઝેઈક આર્ટ વડે સજાવવાની ઈચ્છા થઈ. ત્યારથી તેણે આખા મકાનને મોઝેઈક વડે કવર કરવાનું શરૂ કર્યું હતું.
શું છે મોઝેઇક આર્ટ?
મોઝેઈક આર્ટ એટલે કે રંગબેરંગી પથ્થરો, સિરામિક અથવા તો કાચના ટુકડાથી તૈયાર થતી ડિઝાઈન. આ મકાનને આ રીતે તૈયાર કરવામાં ૧૬ લાખ પાઉન્ડના વિવિધરંગી મોઝેઈક વપરાયા છે. આ મકાનની દિવાલો પર સુવાક્યો અને ક્વોટ પણ કંડારાયા છે.
કૈરી રિચર્ડ આ વિશે જણાવે છે કે મારા મકાન પર જે મોઝેઈક આર્ટ છે તે મારા માટે ટેટુ સમાન છે. તે મારી આત્મકથા છે અને દરેક પથ્થર મને મારા વીતેલા જીવનની યાદ અપાવે છે. મકાનની દીવાલો પર વિવિધ ચિત્રો, ડિઝાઈન અને લખાણના માધ્યમથી રજૂઆત થઇ છે. તો વળી બારીઓ, દરવાજાને પણ અલગ રીતે શણગારાયા છે. મકાન કે બારી-દરવાજાની વાત છોડો, મકાન પાસે પાર્ક થયેલી જે બે કાર દેખાય છે તેને પણ કૈરીએ મોઝેઈક આર્ટથી સજાવી છે.