લંડનઃ બ્રિટિશ શીખ સાંસદ તનમનજીતસિંહ ઢેસે જૂન 1984માં ભારતના પંજાબ રાજ્યના અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરમાંથી આતંકવાદીઓના સફાયા માટે ચલાવાયેલા ઓપરેશન બ્લૂ સ્ટારમાં તત્કાલિન માર્ગારેટ થેચરના નેતૃત્વ હેઠળની કન્ઝર્વેટિવ સરકારની ભુમિકાની સ્વતંત્ર તપાસ કરાવવા હાઉસ ઓફ કોમન્સમાં માગ કરી હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે અગાઉની ટોરી સરકારોએ આ મામલાને દબાવી દેવાનો પ્રયાસ કર્યો છે તેથી સત્તામાં આવેલી લેબર સરકારે આ તપાસ કરાવવી જોઇએ.
ઢેસીની માગના જવાબમાં હાઉસ ઓફ કોમન્સના નેતા લ્યૂસી પોવેલે જણાવ્યું હતું કે, યુકેમાં વસતા શીખ સમુદાય માટે આ મામલો અત્યંત મહત્વનો છે. ઢેસીએ જણાવ્યું હતું કે, 1984માં તત્કાલિન ભારત સરકારે સુવર્ણ મંદિર પર હુમલાનો આદેશ આપ્યો તે બાબત સમગ્ર વિશ્વમાં વસતા શીખ સમુદાય માટે અત્યંત આઘાતજનક હતી.
ઢેસીએ જણાવ્યું હતું કે, નવા દસ્તાવેજો દર્શાવે છે કે તત્કાલિન થેચર સરકારે મિલિટરી ઓપરેશન પહેલાં ભારતીય સમકક્ષને કેટલીક સલાહ આપી હતી. તેના પગલે શીખ સમુદાયે થેચર સરકારની ભુમિકાની સ્વતંત્ર તપાસની માગ પણ કરી હતી.