લંડનઃ ઓફિસમાં આખો દિવસ બેસીને કામ કરતા કર્મચારીઓએ બેઠાડુ જીવનશૈલીથી આરોગ્યને જોખમાતું અટકાવવા ઓફિસ અવર્સમાં એક કલાક ચાલવું જોઈએ. દસ લાખ લોકોના અભ્યાસ પછી ગાઈડલાઈન્સમાં ભલામણ કરાઈ છે કે ઓફિસ કર્મચારીઓએ વહેલા મૃત્યુનું જોખમ નિવારવું હોય તો બે વખત માત્ર ચાલવા અને સાઈકલીંગની કસરત કરવી જોઈએ. પ્રવૃત્તિશીલ લોકોની સરખામણીએ ઓછાં સક્રિય અને બેઠાડું લોકોને વહેલા મૃત્યુનું જોખમ ૬૦ ટકા વધુ હોવાનું સંશોધકોને જણાયું હતું.
જીમમાં જવાની કોઈ જરૂર નથી, માત્ર વોક અને સાઈકલીંગ જ પૂરતાં હોવાનો દાવો કરી તેમણે જણાવ્યું હતું કે ઓલિમ્પિક્સ જેવા મોટા સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ ફીટનેસ માટે અવાસ્તવિક અપેક્ષાઓ ઉભી કરી કસરતોમાંથી લોકોનો ઉત્સાહ ઘટાડે છે. વર્કરોએ દર એક કલાકે ઉભા થઈ ફરવું જોઈએ અને એમ્પ્લોયર્સે પણ સ્ટાફને લંચટાઈમ દરમ્યાન વોક માટે જવાની પરવાનગી આપવી જોઈએ.
‘ધ લેન્સેટ’માં સંખ્યાબંધ શોધપત્રોમાં સંશોધકોએ અંદાજ મૂક્યો હતો કે નિષ્ક્રિયતાને લીધે બ્રિટનને દર વર્ષે ૧.૭ બિલિયન પાઉન્ડનો ખર્ચ થાય છે. તેમાંની મોટાભાગની રકમ નિવારી શકાય તેવા રોગોની સારવાર પાછળ NHS મારફતે ખર્ચાય છે.
ફીટનેસ જાળવવાના સહેલા ઉપાય
• કામ પર ચાલીને જાવ
• ઓફિસે બસમાં જાવ અને એક સ્ટોપ પહેલા ઉતરવું
• લંચટાઈમ વખતે ચાલવું
• દર કલાકે ઓફિસમાં કે આસપાસ પાંચ મિનિટ ચાલવું
• ગાર્ડનીંગ, ઘરનું કામકાજ, ડાન્સ તેમજ બાળકો સાથે રમવું એ બધું હળવી કસરત ગણાય