લંડનઃ ધનિક પરિવારોને તેમની સાથે યુકેમાં વર્કર સ્ટાફ લાવવાની છૂટ આપતા ઓવરસીઝ ડોમેસ્ટિક વર્ક વિઝા સિસ્ટમની હોમ ઓફિસ મિનિસ્ટર જેસ ફિલિપ્સે ભારે ટીકા કરી જણાવ્યું હતું કે સરકાર તેની પર ચાંપતી નજર રાખી રહી છે. આવા વિઝા વર્કર્સને તેમના એમ્પ્લોયર સાથે છ મહિના માટે યુકે આવવાની છૂટ આપે છે તે એક પ્રકારની ગુલામી જ છે.
ઓવરસીઝ ડોમેસ્ટિક વર્ક વિઝા ક્લીનર્સ, કૂક્સ, આયાઓ, શોફર્સ તેમજ એમ્પ્લોયર અને તેના પરિવારને અંગત સારસંભાળ પૂરી પાડનારાને લાગુ પડે છે. લાયકાત ધરાવનારાઓએ યુકેની બહાર રહેવું પડે છે, ખાનગી પરિવારમાં ઘરનોકર બની રહેવું પડે છે અને તેના એમ્પ્લોયર સાથે ઓછામાં ઓછાં એક વર્ષ કામ કરેલું હોવું જોઈએ.
મિસ ફિલિપ્સે કહ્યું હતું કે હંગામી વિઝા એમ્પ્લોયર સાથે સંકળાયેલા હોય અને જો શ્રમ શોષણની બાબત હોય તો કર્મચારી ખુલ્લામાં આવી તેનો રિપોર્ટ કરે તેવી શક્યતા ઓછી છે કારણકે તેમણે જ સજા ભોગવવી પડે છે. તેમણે કહ્યું હતું કે આ ક્ષેત્રમાં કેટલાક સુધારાઓ થઈ રહ્યા છે.