લંડનઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા કિંગ ચાર્લ્સ દ્વિતીયને સોમવારે ઓસ્ટ્રેલિયાની સંસદમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. કિંગ ચાર્લ્સના સંસદને સંબોધન બાદ મૂળ નિવાસી સેનેટર લિડિયા થોર્પે દ્વારા કિંગ ચાર્લ્સ વિરુદ્ધ સંસ્થાનવાદ વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા. લિડિયાએ નારા લગાવ્યા હતા કે તમે અમારી પાસેથી છીનવી લીધેલી જમીન અમને પરત કરો.
રાજાશાહીની ટીકા કરતા સ્વતંત્ર સેનેટેરે જણાવ્યું હતું કે, આ તમારી જમીન નથી અને તમે મારા રાજા નથી. તેમણે યુરોપિનો દ્વારા ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓના કરાયેલા નરસંહારની પણ આકરી ટીકા કરી હતી.
ઓસ્ટ્રેલિયા 100 કરતાં વધુ વર્ષ સુધી બ્રિટનના તાબા હેઠળની કોલોની હતો અને બ્રિટિશરોના જુલમોના કારણે ઓસ્ટ્રેલિયાના હજારો મૂળ નિવાસીના મોત થયાં હતાં અથવા તો વિસ્થાપિત થયાં હતાં. 1901માં ઓસ્ટ્રેલિયા સેલ્ફ ગવર્નન્સનો અધિકાર અપાયો હતો પરંતુ હજુ તે બ્રિટિશ રાજાશાહીમાંથી મુક્ત થયો નથી. કિંગ ચાર્લ્સ આજે પણ ઓસ્ટ્રેલિયાના વડા છે. હાલ તેઓ ઓસ્ટ્રેલિયા અને સમોઆની 9 દિવસની મુલાકાતે પહોંચ્યા છે.
સિડનીમાં ક્વીન વિક્ટોરિયાની પ્રતિમા સાથે ચેડાં કરાયાં
લંડનઃ ઓસ્ટ્રેલિયામાં કિંગ ચાર્લ્સની મુલાકાતનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. સિડનીની કિંગ ચાર્લ્સની મુલાકાત પહેલાં ક્વીન વિક્ટોરિયાની પ્રતિમા પર લાલ રંગ છાંટીને ચેડાં કરાયાં હતાં. તે ઉપરાંત કિંગની જનમેદની સાથેની મુલાકાત પહેલાં રાજાશાહી વિરોધી નારા માટે ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસી એવા વેયન વ્હાર્ટનની ધરપકડ કરાઇ હતી.