નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) નિયમોમાં કોઇ બદલાવ કરાયો નથી. ન્યૂયોર્ક સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ઓસીઆઇ કાર્ડ હોલ્ડર્સ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાની ખોટી માહિતી કેટલાક અખબારી અહેવાલોમાં સામે આવી છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ઓસીઆઇ કાર્ડ હોલ્ડર્સ માટે નજીકના ભૂતકાળમાં કોઇ નવા બદલાવ કરાયાં નથી. 4 માર્ચ 2021ના રોજ જારી કરાયેલા ગેઝેટ નોટિફિકેશનની જોગવાઇઓ જ હાલ પણ અમલમાં છે.
છેલ્લા ઘણા દિવસોથી ઓસીઆઇ કાર્ડ હોલ્ડર્સ તરફથી ફરિયાદો મળી રહી હતી કે તેમને વિદેશી તરીકે ગણાવવામાં આવી રહ્યાં છે. કેટલાકે તો નિયમોમાં બદલાવની પણ ફરિયાદ કરી હતી. આ નિયમો અંતર્ગત તેમના પર જમ્મુ-કાશ્મીર અને અરૂણાચલપ્રદેશના પ્રતિબંધિત વિસ્તારોની મુલાકાત માટે પરવાનગીની વાત કરવામાં આવી હતી.
જોકે ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી દીધી છે કે ભારત સરકારે છેલ્લે માર્ચ 2021માં નિયમો જારી કર્યાં હતાં અને અત્યાર સુધી તેમાં કોઇ બદલાવ કરાયાં નથી.