લંડનઃ બજેટ આડે ગણતરીના દિવસ બાકી રહ્યાં છે ત્યારે ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન માટે વાસ્તવમાં ક્ષોભજનક બની રહે તેવો ઘટસ્ફોટ એ છે કે તેમના ફેમિલી બિઝનેસ ઓસ્બોર્ન એન્ડ લિટલ દ્વારા છેલ્લાં સાત વર્ષનો કોર્પોરેશન ટેક્સ ચુકવાયો નથી. જોકે, ફેમિલીના પ્રોફિટેબલ વોલપેપર બિઝનેસના ૩૩૫,૦૦૦ પાઉન્ડની ડિવિડન્ડ ચુકવણીમાં જ્યોર્જ ઓસ્બોર્નને હિસ્સો અવશ્ય મળ્યો છે. ફેમિલી ફર્મમાં ચાન્સેલરનો હિસ્સો એક ટકાથી ઓછો છે અને તેમને ૧૨૩૦ પાઉન્ડનું ડિવિડન્ડ મળ્યું છે.
ચાન્સેલરના પારિવારિક બિઝનેસની પેરન્ટ કંપનીના એકાઉન્ટ્સના વિશ્લેષણમાં જોવાં મળ્યું છે કે માર્ચ ૨૦૧૫માં પૂરા થતા વર્ષ માટે ચાન્સેલર સહિત શેરહોલ્ડર્સને પ્રથમ વખત ડિવિડન્ડ ચુકવાયું છે. કંપનીએ અગાઉના વર્ષોનું નુકસાન સરભર કરવા ૨૦૦૮થી કોર્પોરેશન ટેક્સની ચુકવણી કરી નથી અને ટેક્સ ચુકવણી આગળ ખેંચે રાખી છે. કોર્પોરેશન ટેક્સ ટાળીને ડિવિડન્ડ ચુકવાયાની બાબત ચાન્સેલર માટે ક્ષોભજનક છે કારણકે તેમણે ૨૦૧૨ની બજેટ સ્પીચમાં નૈતિક રીતે અયોગ્ય ટેક્સ એવોઈડન્સ વિશે આકરા પ્રહારો કર્યા હતા.
સન્ડે ટાઈમ્સના રિપોર્ટમાં કેડબરીના માલિકથી માંડી ક્વીન્સના જ્વેલર્સ તેમજ બ્રિટનના છ મોટી કંપની સહિત અનેક હાઈ પ્રોફાઈલ કંપનીઓ દ્વારા બિલિયન્સ પાઉન્ડના વૈશ્વિક નફા છતાં કોર્પોરેશન ટેક્સ નહિવત્ કે નહિ ચુકવાયાનો ઉલ્લેખ કરાયો છે.