લંડનઃ ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ (DIT)ના 2021-22 નાણાવર્ષના વાર્ષિક રિપોર્ટમાં કંપનીઓ દ્વારા ફ્રોડ કેસીસમાં વધારો થયો હોવાનું જણાવાયું છે. રિપોર્ટ જણાવે છે કે કંપનીઓ DIT બ્રાન્ડિંગનો દુરુપયોગ કરે છે અને ડિપાર્ટમેન્ટ સાથે તેમના સંબંધોની ખોટી રજૂઆતો કરે છે.
DIT દ્વારા જણાવાયું છે કે ગત વર્ષની સરખામણીએ એપ્રિલ મહિના સુધીના 12 મહિનામાં તેની સાથે કંપનીઓ દ્વારા છેતરપિંડીયુક્ત વર્તણૂકમાં વધારો નોંધાયો છે. જોકે, ગયા વર્ષે ડિપાર્ટમેન્ટે કેટલાં ચોક્કસ ફ્રોડ કેસીસનો સામનો કર્યો તેની સંખ્યા દર્શાવાઈ નથી. ડિજિટલ ઉપકરણોના લીધે ફ્રોડના પ્રયાસોની ઝડપથી ઓળખ કરી શકાઈ હતી અને અધિકારીઓ ફ્રોડને અટકાવવામાં વધુ સક્રિયતા દાખવી શક્યા હતા.
DITએ જણાવ્યું હતું કે કંપનીઓ દ્વારા DIT બ્રાન્ડિંગના દુરુપયોગ તેમજ વિભાગ સાથે તેમના સંબંધોની ગેરરજૂઆતોની ઘટનાથી ફ્રોડ કેસીસની સંખ્યામાં વધારાને ઓળખી શકાયો તથા ગ્રાન્ટ ફ્રોડ્સને અટકાવી શકાયો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે વિભાગમાં જ 62 ડેટા ભંગની ઘટનાઓ જોવાં મળી છે જે ગયા વર્ષની સરખામણીએ 17 ટકા વધુ છે.