ભુજઃ કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિરની રજત જયંતીએ કચ્છી લેવા પટેલ સમાજે ૨૮મી ડિસેમ્બરે કચ્છની ૨૧ લાખની વસતીના આરોગ્ય માટે નવો અધ્યાય આલેખી દીધો હતો. ૨૮મીએ માત્ર ચાર કલાકમાં રૂ. ૭૭ કરોડના દાનનો ધોધ વહ્યો હતો જેમાંથી રૂ. ૫૦ કરોડ આરોગ્ય ક્ષેત્ર માટે અને રૂ. ૨૭ કરોડ શિક્ષણ ક્ષેત્ર માટે જાહેર થયાં હતાં. ભુજ સ્વામીનારાયણ મંદિરે પણ જિલ્લાની સૌ પ્રથમ સુપર સ્પેશ્યાલિટી હાર્ટ હોસ્પિટલના ઓપરેશન થિયેટર માટે રૂ. પાંચ કરોડનું દાન જાહેર કર્યું હતું.
ભુજ સ્વામીનારાયણ મંદિર દ્વારા યોગદાન
વર્ષ ૨૦૧૦માં જિલ્લાને પ્રથમ એમઆરઆઇની ભેટ ધરનાર ભુજ મંદિરે હોસ્પિટલના ઓપરેશન વિભાગ (કેથલેબ)ના નામઃકરણ માટે રૂ. પાંચ કરોડની માતબર રકમ જાહેર કરી હતી. ભુજ મંદિરના કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતે હોસ્પિટલને જરૂરી ગણાવી સાથ આપવા ખાતરી આપી હતી. કોઠારી નારાયણમુનિદાસજી સ્વામીએ આશીર્વચન આપ્યા હતા. કાર્ડિયાક, કિડની, કેન્સર હોસ્પિટલમાં કોઠારી રામજી દેવજી વેકરિયાએ રૂ. ૧૦ લાખનું અંગત દાન આપ્યું હતું. ઉપકોઠારી મૂરજીભાઇ સિયાણી, જાદવજી ગોરસિયા સહિતના ટ્રસ્ટીઓએ મહંત સ્વામીના નિર્ણયને વધાવ્યો હતો. વિલ્સડન મંદિરના ટ્રસ્ટી સમાજ-સત્સંગના હિતચિંતક આગેવાન કે. કે. જેસાણીની ભૂમિકાની પણ જાહેર નોંધ લેવાઇ હતી. આ પ્રસંગે પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પુરાણી નિરન્નમુક્તદાસજી સ્વામી, સ્વયંપ્રકાશ સ્વામી, રામદસ્વરૂપ સ્વામી, અંજાર મંદિર મહંત દેવપ્રકાશદાસજી સ્વામી, માંડવી મહંત માધવપ્રસાદ સ્વામી, વરિષ્ઠ સંત ભગવદ્જીવન સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ કોઠારી રવજી માવજી ભુડિયાએ પણ માતબર દાન નોંધાવ્યું હતું.
૨૫૦૦ સંતાનો દ્વારા માતા-પિતાની પૂજા
કન્યા શાળાના રજત જયંતી મહોત્સવમાં સમાજ અને એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઇ માવજી ગોરસિયાએ સમાજના વિકાસ માટે ખેતી, વેપાર, શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્યવર્ધન માટેના વિચારો મૂક્યા હતા. આ કાર્યક્રમમાં કૃષિમોલ, કૃષિ પ્રદર્શન, આઇટીઆઇ ક્ષેત્રના કેટલાક પ્રકલ્પ ખુલ્લા મુકાયા હતા. આ ઉપરાંત એક સાથે ૨૫૦૦ સંતાનોએ માતા-પિતાની સમૂહપૂજા કરી હતી.
કચ્છમાં ઝડપી તબીબી સારવાર
હાર્ટને લગતી બીમારી, કેન્સર અને કિડની સંબંધી રોગો માટે કચ્છીઓએ અમદાવાદ, રાજકોટ, મુંબઇ સુધી જવું પડે છે. ક્યારેક સમયસર સારવારના અભાવે દર્દીને જીવનું જોખમ ઊભું થાય છે. આ તબીબી સમસ્યાઓ નિવારવા કચ્છમાં સૌપ્રથમ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નિર્માણના શ્રીગણેશ ૨૮મી ડિસેમ્બરે કરી દીધા છે. આરોગ્ય ક્ષેત્ર માટે દેશી વિદેશી દાતાઓએ ઉમળકાભેર કરોડોનું દાન કર્યું હતું.
સામત્રાના નાઇરોબી સ્થિત ઉદ્યોગપતિ કે. કે. પટેલ (કેસોલ્ટ) પત્ની ધનબાઇ, પુત્ર દીપકભાઇ, અમ્રતબહેન, દિયા અને ભુવી સમગ્ર પરિવાર દ્વારા ભુજ શનિમંદિર રોડ પર આવેલી ૭ એકર અંદાજે રૂ. ૨૫ કરોડની જમીન દાન કરી હતી આ ઉપરાંત જમીન પર બાંધકામ પેટે રૂ. ૧૫ કરોડ પણ જાહેર કરતાં કુલ રૂ. ૪૦ કરોડનું દાન જાહેર કર્યું હતું.
મોમ્બાસા વસતા યુવાન કચ્છી પાટીદાર હસમુખભાઈ કાનજી ભુડિયા તરફથી ભુજમાં આવેલી અંદાજે રૂ. ૨૭ કરોડની ૨૭ એકર ભૂમિનું શિક્ષણ સંકુલ માટે દાન કરાયું હતું. આ પરિવારના રતનબહેન કેશવભાઈ ભુડિયાનું સન્માન પણ કરાયું હતું.
માવજીભાઇ દેવરાજ ગોરસિયાના પુત્ર અને સમાજના અગ્રણી ગોપાલભાઇ માવજી ગોરસિયા, તેમનાં પત્ની રીટાબહેન ગોપાલભાઈ ગોરસિયા, ગોવિંદ માવજી ગોરસિયા, તેમનાં પત્ની રામબાઇ ગોવિંદ ગોરસિયા અને પરિવારે રૂ. ૧.૫૧ કરોડ દાન કર્યાં હતાં. બળદિયાના અને યુકેમાં વસતા કલ્યાણભાઇ રવજી મેઘજી વેકરિયા, અમૃતબહેન, પુત્ર હર્ષિલ અને પરિવારે રૂ. એક કરોડ, રૂ. ૫૦ લાખ અને રૂ. ૧૦ લાખ સહિતના સંખ્યાબંધ દાન જાહેર કર્યાં હતાં.
હાલની માતુશ્રી મેઘબાઇ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના વિસ્તૃતિકરણ માટે અ.સૌ. વેલબાઇ ધનજી વરસાણીએ રૂ. એક કરોડ દાન કર્યું હતું.
આ ઉપરાંત હીનાબહેન હરજી વરસાણી, પ્રભાબહેન કિશોરકુમાર વરસાણી, જશુબહેન કુંવરજી આસાણી, કસ્તુરબહેન આશિષભાઈ હાલાઇ (નારાણપર રાવરી), કરશન રામજી એન્ડ સન્સ નાઇરોબીએ પણ કુલ રૂ. એક કરોડથી વધુના દાન જાહેર કર્યાં હતાં. આ તમામ પરિવારોનું આ પ્રસંગે સન્માન થયું હતું.
ગરીબોને આવાસની યોજના
સમાજની પ્રથમ આવાસ યોજનાની અર્પણવિધિ પણ ૨૮મીએ યોજાઇ હતી. આવાસ યોજનાના ભૂમિદાતા મેઘબાઇ નાનજી હીરાણીએ ત્રણ એકર ભૂમિ માનકૂવા ગામમાં દાન કરી હતી. આ ભૂમિ પરના આવાસ નહીં નફો નહીં નુકસાનના ધોરણે ગરીબ પરિવારોને વિતરિત કરાશે. આ પ્રસંગે સાંખ્યયોગી મહંત સામબાઇ ફઇજીએ રૂ. પાંચ લાખના દાન સાથે સૌને આશીર્વાદ આપ્યાં હતાં.
ઇન્ડિયા ગાર્ડન વિશે વિગતો
યુકે કમ્યુનિટીના અધ્યક્ષ માવજીભાઇ વેકરિયાએ આ પ્રસંગે ઇન્ડિયા ગાર્ડન વિશે વિગતો આપી હતી અને રૂ. ૧૧૨ કરોડના પ્રોજેક્ટ માટે જ્ઞાતિનો સાથ માગ્યો હતો. આ પ્રસંગે શ્રેષ્ઠી વિશ્રામભાઇ જાદવા પણ ઉપસ્થિત રહ્યા હતા. નાઈરોબી સમાજના પ્રમુખ ભીમજીભાઈ હાલાઈએ ભુજ સમાજના સંગઠનની પ્રસંશા કરી હતી.
આ પ્રસંગે શબ્દસંકલન પૂર્વાધ્યક્ષ અરજણભાઇ પીંડોરિયા અને યુવક સંઘ મંત્રી વસંત પટેલે સંભાળ્યું હતું. ૨૮મીના વિવિધ કાર્યક્રમોમાં ચોવીસીની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત મણિનગર ગાદી સંસ્થાનના સંતો અને અબજીબાપા ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
હોસ્પિટલ માટે વધુ રૂ. ૧૦ કરોડનું દાન
માતા મેઘબાઇ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના વિસ્તૃતિકરણ વિભાગનું દાતાઓ પ્રભાબહેન કિશોરકુમાર વરસાણી, સમાજ પ્રમુખ હરિભાઇ કેસરા હાલાઇ, દેવરાજ વાઘજી હાલાઇ, દેવશી કરશન હાલાઇ, કુરજી દેવરાજ વેકરિયા, વેલજી રામજી પિંડોરિયા, શશિકાંત કરસન પીંડોરિયા, યુવક સંઘ સભ્ય અરજણ ભીખાલાલ પીંડોરિયા, ડો. જે. કે. દબાસિયા, રામજી રવજી વેકરિયા, ધીરજભાઇ, જશોદાબહેન વરસાણીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ વિભાગ હોસ્પિટલનો નિભાવ જે દાતાઓ કરી રહ્યા છે તેના માટે અનામત રખાયો છે.
જ્ઞાતિના ખુલ્લા અધિવેશનમાં ૨૯મી અને ૩૦મીએ પણ લોકો ઊમટી પડ્યાં હતાં. ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલના હસ્તે ૩૦મીએ વિવિધ સંકુલો ખુલ્લા મુકાયા હતા. ૨૯મીએ બપોરે ૩.૩૦ કલાકે જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્યએ ‘પરિવાર અને પ્રેમ’ વિશે વકતવ્ય આપ્યું હતું. સાંખ્ય યોગી મંજુલાબહેને રૂ. એક લાખનું દાન આપી કર્મયોગી બહેનોને પ્રેરણા અર્પી હતી.
જય જય સરદારના ઉમળકાથી ભુજ સમાજના દ્વારે નરેશ પટેલ અને આગેવાનોએ સરદાર પટેલની પ્રતિમાને હારારોપણ કર્યા બાદ બિઝનેસ એક્ઝિબિશન, આઇટીઆઇ ભવન સમાજને અર્પણ કર્યા હતા. કડવા પાટીદાર સમાજના હંસરાજ ધોળુ, દેવજીભાઈ લીંબાણી, વાગડ સમાજના નરસિંહભાઈ સહિતનાની ઉપસ્થિતિમાં ભારે ઉત્સાહ સાથે ગુજરાતના શિરમોર સમાજ આગેવાનોના સર્જનને વધવાયું હતું.
કચ્છની સૌ પ્રથમ હૃદય, કેન્સર, કિડની હોસ્પિટલનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો અને શિક્ષણ સંકુલ અર્પણ કરાયાં હતાં. આ દિવસે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો ત્રીસ મહિનામાં જ પ્રારંભ કરવા સંકલ્પ થયો હતો. હોસ્પિટલ માટે વધુ રૂ. ૧૦ કરોડનાં દાન જાહેર થયાં હતાં. સમાજના આગેવાન વેલજીભાઈ રામજી પિંડોરિયા, તેમનાં પત્ની દેવબાઈ, પુત્ર પ્રવીણભાઈ, હરીશભાઈ, તેમનાં પત્ની ગીતાબહેન પરિવાર તરફથી સુપર સ્પે. હોસ્પિટલના વિશાળ મેડિકલ સ્ટોર માટે રૂ. ૧.૫ કરોડનું માતબર નામકરણ દાન જાહેર કર્યું હતું.
વાગડના ઉદ્યોગપતિ અને કાગવડ ટ્રસ્ટી ભચુભાઇ આરેઠિયાએ હોસ્પિટલ માટે રૂ. ૫૧ લાખનું દાન આપ્યું હતું. લેઉવા પટેલ જ્ઞાતિના ધારાસભ્ય સંતોકબહેન આરેઠિયાએ સુકાર્યો માટે શુભેચ્છા આપી હતી. ખોડલધામ સંસ્થામાં ભુજ સમાજના ચાર ટ્રસ્ટી નીમાવાની જાહેરાત પણ થઈ હતી. ચાર ટ્રસ્ટીઓમાં ગોપાલભાઇ ગોરસિયા, અરજણભાઇ પીંડોરિયા, કે. કે. પટેલ અને વિશ્રામભાઇ જાદવાનો સમાવેશ થાય છે.
રાજ્યના બિનઅનામત આયોગના અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરા અને વિશ્રામભાઇ વરસાણીએ ભુજ સમાજના કાર્યકરોમાં વિશ્વાસ વ્યક્ત
કર્યો હતો.