વ્યાજના ઘટેલા દર અને સારા અર્થતંત્રના કારણે લોકો છુટથી કન્વીનીયન્સ સ્ટોર્સના ક્ષેત્રમાં તેજી જણાઇ રહી છે. ગત વર્ષે નુકસાન કરનાર 'નાઇસા'એ આ વર્ષે નફો કર્યો હતો. પરંતુ આ બધા સામે સ્વતંત્ર દુકાનદારની હાલત દિન પ્રતિદિન ખરાબ થતી જાય છે. તેઅો જો નાઇસા કે બડજેન જેવા ગૃપમાં જોડાય છે તો ખર્ચા પોસાતા નથી અને નફો અોછો થાય છે. બીજી તરફ જો જાતે સ્વતંત્ર વેપાર કરે છે તો તેઅો સ્પર્ધામાં ટકી શકતા નથી. અત્યારે જે માહોલ છે તેમાં હાલ પૂરતા તો આપણા નાના દુકાનદારો ટકી જશે પરંતુ લાંબા સમય સુધી ટકવું તેમને માટે મુશ્કેલ બનનાર છે. ક્રિસમસ પછી દેશના ભીડભર્યા કન્વીનીયન્સ ક્ષેત્રમાં સુધાર આવ્યો છે અને ગ્રોસરી માર્કેટમાં વ્યાપેલા હદ બહારના ભાવયુધ્ધ અને ખરીદ પધ્ધતિમાં આવેલા બદલાવના કારણે 'ડીલમેકીંગ'માં વધારો થશે એમ રીટેઇલ ગ્રોસરી ચેઇન 'નાઇસા'ના ચિફ એક્ઝીક્યુટીવ નિક રીડે જણાવ્યું હતું.
ટેસ્કો અને અલ્ડીના ભૂતપુર્વ એક્ઝીક્યુટીવ નિક રીડે તાજેતરમાં જણાવ્યું હતું કે 'હાલમાં બજારમાં ખૂબજ ભીડ છે અને આપણને બજારમાં મજબુતાઇ જણાઇ રહી છે. બજારમાં વિજેતાઅો અને ગુમાવનારાઅો પણ છે'. જાન્યુઆરી ૩ સુધીના છેલ્લા ૧૦ સપ્તાહમાં નાઇસાના ગૃપનો વેપાર ૬.૩% એટલે કે £૨૫૪.૩ મિલિયન સુધી વધ્યો છે. જ્યારે ગત વર્ષના £૨.૪ મિલિયનના નુકશાન સામે આ વર્ષે £૫૨૬,૦૦૦ની આવક થઇ છે. સમગ્ર યુકેમાં આવેલા ૩,૦૦૦ સ્ટોર્સનું ગૃપ ધરાવતા નાઇસાને ગત વર્ષે તેના ૩૯ વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત £૩ મિલિયનનું નુકશાન થયું હતું. પોતાના સદસ્યો વતી ખરીદ વેચાણ કરતા નાઇસાએ ગત નવેમ્બર માસથી વાઇન, બીયર અને સ્પીરીટ્સમાં વિવિધ પ્રમોશન અોફર મૂકતા તેમની બાજી સુધરી હતી. તે વખતે નાઇસાએ વાઇન અને સ્પિરીટ્સ £૪.૯૯માં અને સ્મિરનઅોફ વોડકાની બોટલ £૧૫માં વેચાણ માટે મૂકી હતી. નાઇસાએ ગત વર્ષે ૩૫૦ સ્ટોર્સ નવા શરૂ કર્યાહતા જ્યારે ૧૨૩૪ બંધ કર્યા હતા.
નાઇસા અને તેના જેવા અન્ય ગૃપના વિકાસ અને સુપરસ્ટોર્સની વધતી દાદાગીરી સામે આપણા ગુજરાતીઅો સહિત ભારતીય ઉપખંડના અન્ય દેશોના સ્વતંત્ર દુકાનદારોની હાલત ધીમેધીમે ખૂબજ કફોડી થઇ રહી છે. અમે આપણા જ ગુજરાતી સમુદાયના ત્રણ દુકાનદાર ભાઇઅોની આ બાબતે પૂછપરછ કરતા ઘણી મહત્વપૂર્ણ માહિતી મળી હતી.
છેલ્લા ૨૧ વર્ષથી સાઉથ વેસ્ટ લંડનના રિચમન્ડમાં DKS ફૂડ એન્ડ વાઇનના નામથી દુકાન ધરાવતા સુભાષભાઇ પટેલે જણાવ્યું હતું કે 'ગત ક્રિસમસ દરમિયાન નાના સ્વતંત્ર દુકાનદારો, સુપરસ્ટોર્સ સહિત નાઇસા જેવા અન્ય ગૃપ અને કેશ એન્ડ કેરીની હાલત ખરાબ રહી હતી અને આજે પણ હાલત સારી કહી શકાય તેવી નથી. આજે જે હાલત ઉભી થઇ છે તેમાં બધા દુકાનદાર મિત્રો સાથે રહીને ગૃપ બનાવે અને એક જ ભાવ પર માલ વેચવાનું નક્કી કરે તો તેઅો સુપર માર્કેટ અને અન્ય તમામ ગૃપ સામે ઉભા રહી શકે તેમ છે.
દુકાનદાર મિત્રોના વેપાર પર તેમની દુકાનનું લોકેશન, તેઅો શું માલ રાખે છે અને તેમના સ્ટોર્સની હાલત - ડેકોરેશન વગેરે કેવા છે તે ખૂબ જ આધાર રાખે છે. આજે માર્કેટમાં ટકી રહેવા સ્ટોર્સ અપગ્રેડેશન, સુંદર લેઆઉટ અને નીતનવી પ્રોડક્ટ જરુરી છે. ગ્રાહકોને આકર્ષવા માટે દુકાનમાં સતત નવું કરવું જરુરી છે. બીજા કરતા એક કદમ આગળ રહો અને ગ્રાહકો સાથે હળી મળીને વાત કરો તો તે ગ્રાહક સતત તમારા ત્યાં આવશે. બેકરી અને ડેરી પ્રોડક્ટ સહીત કેટલીય પ્રોડક્ટ એવી છે જે ૫૦% જેટલો નફો રળી આપે છે પરંતુ આપણે તેનું મુલ્ય સમજતા નથી. આપણે જ જો ગ્રાહકોને આકર્ષવા માટે કશું નહિં કરીએ તો કઇ રીતે આપણે સફળ થઇ શકીશું?'
વોલ્ટન અોન ધ હિલ ખાતે સ્વતંત્ર દુકાન ધરાવતા ચિરાગ પટેલે જણાવ્યું હતું કે 'ઇન્ડીપેન્ડન્ટ રીટેઇલર માટે અત્યારે ખૂબ જ ખરાબ સમય છે. એક દુકાનદાર તરીકે મારી પાસે અત્યારે પાછા હટવાની કોઇ તક નથી. અમે નાઇસા જેવા ગૃપની દુકાનો કે સુપરસ્ટોર્સ સામે ભાવમાં ટકી શકતા ન હોવાથી હવે અમારો ગુડવીલનો પોર્ટફોલીયો પણ ખતમ થઇ ગયો છે. અમારે દુકાન વેચવી હોય તો પણ કોઇ ગુડવીલ આપવા તૈયાર ન થાય. નાઇસા અને સુપરસ્ટોર્સ કોકો કોલાની દોઢ લીટરની બોટલ માત્ર પાઉન્ડમાં વેચે છે, જ્યારે અમારે તે જ બોટલ પાઉન્ડ કરતા વધારે ભાવે ખરીદવી પડે છે અને તેના ઉપર ૩૦-૪૦ પેન્સ ચઢાવીને વેચીએ ત્યારે નફો થાય છે. આવા સંજોગોમાં અમે જો નાઇસા અને તેના જેવા ગૃપમાં જોડાઇએ છે તો વેપાર જરૂર વધે પરંતુ તેની સામે અમારે ફ્રેન્ચાઇઝી ફી અને અન્ય ખર્ચા પણ વધે છે જેને કારણે અમારો નફો તો પહેલા જેટલો જ થઇ રહે છે. પરંતુ, દુકાન બંધ કરવા કરતા ન છૂટકે ગૃપમાં જોડાઇએ તો બચી શકાય તેમ છે. આજે મોટાભાગના ઇન્ડીપેન્ડન્ટ રીટેઇલર બચી શકે તેવી સ્થિતીમાં નથી. આ બધા સામે લડવા માટે સારી કસ્ટમર સર્વિસ, લીફલેટીંગ દ્વારા ગ્રાહકોને આકર્ષવા, ન્યુઝ પેપર રાઉન્ડ વધારવા જેવા ઘણાં ઉપાયો પણ છે.”
બર્મિંગહામ નજીક વુસ્ટર ખાતે એમ્બલસાઇડ ન્યૂઝ નામથી દુકાન ધરાવતા નટુભાઇ પટેલે જણાવ્યું હતું કે 'રોજે રોજ અખબારોમાં અને વાતચીતમાં આપણે સાંભળીએ છીએ કે નાના દુકાનદારોની હાલત ખરાબ થતી જાય છે, પરંતુ હું કહીશ કે પોતાનો ધંધો કેવી રીતે ચલાવવો તે દુકાનદારના ખુદના હાથમાં છે. આપણા વેપાર માટે આપણી ગ્રાહક સેવા અને આપણું વર્તન સૌ પહેલા જવાબદાર કહી શકાય. આજે બધી તકલીફો છે છતાં હું કહીશ કે નોકરી કરતા ધંધો વધુ સારો છે. તમે કદાચ સુપરસ્ટોર્સ કે નાઇસા જેવા ગૃપની દુકાનને ભાવમાં ટક્કર ન આપી શકો. પરંતુ તમે જો ચીજવસ્તુના ભાવને વ્યાજબી રાખવા પ્રયાસ કરો, થોડુંક ગ્રાહકના હિતનું વિચારો તો તમે સફળ થઇ શકો છો. આપના આચાર, વિચાર અને નીતિ પણ દુકાનના વેપાર માટે જવાબદાર છે.'
આજે દુકાનદારોની હાલત કફોડી થઇ રહી છે તેના પાછળ સરકારની નીતિઅો પણ જવાબદાર કહી શકાય. તો સામે પક્ષે મોટા સુપરસ્ટોર્સનો પ્રભાવ ઘણો બધો વધારે છે. સ્વતંત્ર દુકાનદારોના સંગઠનો છે, પરંતુ આ સંગઠનો સરકાર અને નીતિ બનાવનારા લોકો પર પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યા છે. સુભાષભાઇ, નટુભાઇ કે ચિરાગભાઇ કહે છે તેમ દુકાનદાર જો ગ્રાહકોની જરૂરિયાત અને લાક્ષણિકતા પારખવામાં સફળ રહેશે તો જ તે સફળ થશે. ગ્રાહક દુકાનમાં વારંવાર આવે અને વધુને વધુ ખરીદી કરે તે જરૂરી છે. આપણે સૌ જાણીએ છે કે આગળની પેઢીના અપણા દુકાનદાર ભાઇઅોએ દુકાનો ચલાવીને જ તો પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપ્યું છે.
એસોસિએશન અોફ કન્વીનીયન્સ સ્ટોર્સ દ્વારા કરાયેલા સર્વેમાં જણાયું હતું કે દર ચોથા ભાગના બ્રિટીશ ગ્રાહકો દરરોજ કન્વીનીયન્સ શોપની મુલાકાત લે છે અને ખરીદ વર્તણુંક બદલાતા દુકાનોમાં ખરચાતી રકમમાં ૫%નો વધારો થયો છે અને દરેક વખતે દુકાનમાં ખરચાતી રકમ સરેરાશ £૬.૪૫ થઇ છે. યુકેભરમાં કુલ ૫૧,૫૨૪ કન્વીનીયન્સ સ્ટોર્સ છે અને જેમાંના ૭૫%ની માલીકી સ્વતંત્ર દુકાનદારોની છે. મોટાભાગે આ દુકાનદારો ગુજરાતીઅો, તામિલ અને તે પછી પંજાબી, પાકિસ્તાની અને એશિયન સમુદાયના છે.
ગ્રાહકોનું વર્ગીકરણ
એકલો ગ્રાહક૨૭%
બાળકો સાથેના યુગલ૨૩%
નિવૃત્ત૨૨%
બીઝી પ્રોવાઇડર૧૬%
બાળકો વગરના યુગલ૧૬%
દુકાનની મુલાકાત પાછળના કારણ
મોબાઇલ ફોન ટોપઅપ૪૦%
અખબાર / મેગેઝીન૨૨%
ખાણી-પીણી૧૩%
ટ્રીટ૯%
અન્ય૧૧%
કન્વીનીયન્સ સ્ટોર્સનો બજારમાં હિસ્સો
ફ્રેન્ચાઇઝી૩૮%
મહત્વના ગ્રોસર૨૨%
સ્વતંત્ર દુકાનદાર૧૭%
કો-અોપરેટીવ્સ૧૨%
પેટ્રોલ ફોરકોર્ટ્સ૧૧%
દુકાનની મુલાકાતનો દર
દરરોજ આવતા ગ્રાહકો ૨૫%
મોટાભાગના દિવસોએ આવતા ગ્રાહકો ૧૪%
એક દિવસ છોડીને આવતા ગ્રાહકો ૨૦%
સપ્તાહમાં એક વખત આવતા ગ્રાહકો ૨૪%
સપ્તાહમાં એક કરતા અોછો વખત આવતા ગ્રાહકો૧૭%
દુકાનથી ઘરનું અંતર
૧ માઇલ કરતા વધારે૨૨%
૧ માઇલ કરતા અોછું૭૮%
પામાઇલ કરતા અોછું૫૦%
૧૦૦ માઇલ કરતા અોછું૧૮%
સ્ટોર્સ સુધી આગમન
ચાલીને૫૮%
વાહનથી૩૮%
અન્ય રીતે ૪%