લંડનઃ આખરે 30 ઓક્ટોબરે અપેક્ષા પ્રમાણે જનતા પર કમરતોડ કરવેરા લાદતું લેબર સરકારનું પ્રથમ બજેટ આવી ગયું. 14 વર્ષ બાદ સત્તામાં આવેલી લેબર પાર્ટીના ચાન્સેલર રાચેલ રીવ્ઝે બજેટ ભાષણના પ્રારંભમાં જ સંકેત આપી દીધો હતો કે સરકાર 40 બિલિયન પાઉન્ડ સુધીનો કરવેરામાં વધારો ઝીંકવા જઇ રહી છે.
ચાન્સેલરે બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, હું ચાન્સેલર બની ત્યારે મને એમ લાગતું હતું કે અગાઉની ટોરી સરકારે સરકારી તિજોરીમાં 22 બિલિયન પાઉન્ડનો ખાડો પાડી દીધો છે પરંતુ મારી સરકારને તો 40 બિલિયન પાઉન્ડનો ખાડો વારસામાં મળ્યો છે.
રીવ્ઝના બજેટની મહત્વની જોગવાઇઓ
- આગામી પાંચ વર્ષ ફુગાવાનો દર 2 ટકાની આસપાસ રહેશે
- 2024માં અર્થતંત્રનો વૃદ્ધિદર 1.1 ટકા, 2025માં 2 ટકા, 2026માં 1.8 ટકા, 2027માં 1.5 ટકા, 2028માં 1.5 ટકા, 2029માં 1.6 ટકા રહેવાનો અંદાજ
- 2027 સુધીમાં સરકારનું બજેટ સરપ્લસ બની રહેશે, 2025-26માં બજેટ ખાધ 26.2 બિલિયન પાઉન્ડ
- બેનિફિટ ફ્રોડ અટકાવવા સરકાર દ્વારા કડક પગલાં લેવાશે
- આગામી વર્ષે સ્ટેટ પેન્શનમાં 4.1 ટકા સુધીનો વધારો
- ઇંધણો પરની ડ્યુટીને આગામી વર્ષ સુધી યથાવત રખાઇ
- એમ્પ્લોયર નેશનલ ઇન્સ્યુરન્સમાં વધારો,13.8 ટકાથી વધારી 15 ટકા કરાયું, સરકારને 25 બિલિયન પાઉન્ડનો લાભ
- એમ્પ્લોયમેન્ટ એલાઉન્સ 5000 પાઉન્ડથી વધારીને 10,500 પાઉન્ડ કરાતાં નાના એમ્પ્લોયરને રાહત મળશે
- કેપિટલ ગેઇન ટેક્સનો લોઅર રેટ 10 ટકાથી વધારી 18 ટકા
- કેપિટલ ગેઇન ટેક્સનો હાયર રેટ 20 ટકાથી વધારી 24 ટકા
- ઇનહેરિટન્સ ટેક્સની મર્યાદાઓ વર્ષ 2030 સુધી સ્થગિત
રાચેલ રીવ્ઝ યુકેનું બજેટ રજૂ કરનારા પ્રથમ મહિલા ચાન્સેલર બન્યાં
લંડનઃ 30 ઓક્ટોબરે હાઉસ ઓફ કોમન્સમાં લેબર સરકારનું બજેટ રજૂ કરનારા રાચેલ રીવ્ઝ યુકેના પ્રથમ મહિલા ચાન્સેલર બન્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, આપણા દેશના ઇતિહાસમાં આ પહેલું બજેટ છે જે પ્રથમ મહિલા ચાન્સેલર દ્વારા રજૂ કરાયું છે. મે પ્રથમ મહિલા ચાન્સેલર હોવાનું ગૌરવ છે. તેમણે જણાવ્યું હતું કે, આર્થિક વૃદ્ધિ માટેનો એક માત્ર માર્ગ ઇન્વેસ્ટમેન્ટ જ છે. આર્થિક સ્થિરતા લાવવી અત્યંત મહત્વની છે.