લંડનઃ આવકવેરો ભરવાપાત્ર પણ કમાણી ન ધરાવતા હજારો લોકોને હજુ આવકવેરા રિટર્ન સમયસર ન ભરવા માટે એચએમઆરસી દ્વારા સેંકડો પાઉન્ડનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. 2021-22માં કરપાત્ર આવક ન ધરાવતા 83,000થી વધુ લોકોને 100 પાઉન્ડની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. અપીલમાં ગયા બાદ ફક્ત 17,000ને પેનલ્ટીમાંથી મુક્તિ અપાઇ હતી.
ફ્રીડમ ઓફ ઇન્ફર્મેશન એક્ટ અંતર્ગત પ્રાપ્ત કરવામાં આવેલી માહિતીના પગલે થિન્ક ટેન્ક ટેક્સ પોલિસી એસોસિએટ્સ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે એચએમઆરસીના આ વલણના કારણે જનતાને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. 12,570 પાઉન્ડથી ઓછી આવક ધરાવતા લોકોને કોઇ આવકવેરો ચૂકવવાનો આવતો નથી.
હવે કોઇપણ કરપાત્ર ન હોય તેવા લોકોને દંડમાંથી મુક્તિ આપતી જૂની સિસ્ટમ ફરી લાગુ કરવાની માગ થઇ રહી છે. ટીપીએના સ્થાપક ડેન નીડલ કહે છે કે ઓછી આવક ધરાવતા હજારો લોકોની જિંદગી એચએમઆરસીની પેનલ્ટીએ વધુ મુશ્કેલ બનાવી છે. 2010 પહેલાં કરપાત્ર આવક ન ધરાવતી વ્યક્તિઓને કોઇ પેનલ્ટી ચૂકવવી પડતી નહોતી.