આણંદ: કરમસદમાં શ્રીકૃષ્ણ હોસ્પિટલ - વેમેડ ક્રિટિકલ કેર સેન્ટરનું શાંતા ફાઉન્ડેશન લંડનસ્થિત ટ્રસ્ટીઓ વિજયભાઈ પટેલ અને ભીખુભાઈ પટેલના હસ્તે ૨૪ જાન્યુઆરીએ વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું. આઈસીયુ બેડની ક્ષમતા ૧૫૦ થતાં હોસ્પિટલ રાજ્યની સૌથી વધુ આઈસીયુ બેડ ધરાવતી હોસ્પિટલ થઈ છે. આ પ્રસંગે ચારુતર આરોગ્ય મંડળના ચેરમેન અતુલ પટેલ, માનદ મંત્રી જાગૃત ભટ્ટ, સંસ્થાના પૂર્વ ચેરમેન ડો. અમૃતા પટેલ, અનુપમ મિશનના પૂજ્ય જશભાઈ સાહેબ, રવિ પટેલ (યુએસએ), લંડનસ્થિત સુબીર પટેલ (યુકે), લાયન્સ ક્લબ એનફિલ્ડ (યુકે)ના પૂર્વ પ્રમુખ પીયૂષભાઈ પટેલ, રોટરી ક્લબ લંડનના કિરણ પટેલ, ચારૂતર આરોગ્ય મંડળના ઉચ્ચ અધિકારીઓ અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ગંભીર રોગોની સારવાર અર્થે આવતા દર્દીઓ માટે વેન્ટિલેટર અને આઈસીયુ બોર્ડની અછત વર્તાતા હોસ્પિટલ દ્વારા અદ્યતન સુવિધા ધરાવતું ક્રિટિકલ કેર બનાવવાની અત્યંત જરૂરત હતી એવા સમયે યુકેના શ્રેઠી વિજયભાઈ પટેલ અને ભીખુભાઈ પટેલે આ પ્રોજેક્ટમાં મદદ કરવાનું વચન આપ્યું હતું.
રૂ. ૧૭ કરોડના ખર્ચે બનેલા આ સેન્ટરમાં તેમણે રૂ. ૮ કરોડનું માતબર દાન કર્યું છે. સેન્ટરના પ્રથમ માળ માટે નેસ્કો લિમિટેડે રૂ. ૨ કરોડ અને બીજા માળ માટે ચરોતર પાટીદાર સમાજ, સાઉથ ઈસ્ટ, શાર્લોટ નોર્થ કેરોલિના, યુએસએએ રૂ. ૨ કરોડનું દાન કર્યું છે.
૫૦,૦૦૦ સ્ક્વેરફિટના વિસ્તારમાં ફેલાયેલા આ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર અને અન્ય ત્રણ ફ્લોરની વ્યવસ્થા છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં એડમિનિસ્ટ્રેશન, ફાર્મસી અને વેઈટિંગ એરિયાનો સમાવેશ થાય છે. દરેક માળે ૩૪ આઈસીયુ બેડની ક્ષમતા છે. જેમાં પ્રથમ માળ સંપૂર્ણ રીતે સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી શકે તેવા દર્દીઓ માટે છે જ્યારે બીજો માળ જનરલ દર્દીઓ માટે છે.
હોસ્પિટલમાં ગંભીર સારવાર અર્થે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થતાં જ ત્રીજા માળે અસ્થાયી વ્યવસ્થા રખાઈ છે. તદુપરાંત ચેપ લાગેલા દર્દીઓ માટે આઈસોલેશન વિભાગની વ્યવસ્થા પણ દરેક માળે કરાઈ છે. અન્ય સુવિધામાં દરેક માળ પર કન્સલ્ટેશન રૂમ, કાઉન્સેલિંગ રૂમ, સ્ટાફ રૂમ અને નર્સિંગ સ્ટેશનની ખાસ વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ પ્રસંગે મંડળના ચેરમેન અતુલ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌથી વધુ આઈસીયુ બેડની વ્યવસ્થા થતાં જરૂરિયાતમંદ દર્દીઓને રાહતદરે અદ્યતન સારવાર અપાશે અને સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી શકે તેવા દર્દીઓને પણ આધુનિક સારવાર મળી રહેશે. જરૂરિયાતમંદ દર્દીઓની સારવારના ખર્ચને પહોંચી વળવા સંસ્થાએ દાતાઓને શક્ય દાન આપવાની જાહેરાત પણ કરી છે.
ડો. વિજયભાઈ પટેલને માનવતાવાદી કાર્ય માટે આ વર્ષે મહારાણીએ ઓર્ડર ઓફ બ્રિટિશ (OBE) એવોર્ડથી સન્માનિત કર્યા છે એ ગૌરવશીલ સન્માન માટે આરોગ્યમંડળ તરફથી અભિવાદન કરવામાં આવ્યું હતું.
વિજયભાઈ પટેલે જણાવ્યું કે, "મારા માતા શાંતાબહેનના નામથી અમે બંને ભાઈઓ યુકેમાં શાંતા ફાઉન્ડેશન હેઠળ ભારત, કેન્યા અને યુકેમાં શિક્ષણ, આરોગ્ય અને આશ્રયસ્થાનના વિવિધ ચેરિટેબલ પ્રોજેક્ટમાં કામ કરીએ છીએ. વેમેડ ક્રિટિકલ કેર સેન્ટરના નિર્માણમાં લાયન્સ ક્લબ અને રોટરી ક્લબ, યુકેના મિત્રોએ પણ ફંડ એકત્રિત કરવામાં સહાય કરી છે.
ભીખુભાઈ પટેલે જણાવ્યું હતું કે, "શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ગંભીર રોગોની સારવાર અર્થે આવતા દર્દીઓની સંખ્યા વધતાં ક્રિટિકલ કેર બાંધવાની જરૂરિયાત ઊભી થતાં સેન્ટરના બાંધકામમાં શાંતા ફાઉન્ડેશન હેઠળ મદદ કરાઈ છે. આ પ્રોજેક્ટ થકી વધુને વધુ ગંભીર રોગોના દર્દીઓને સારવાર અપાશે. સંસ્થાએ અંદાજિત બજેટમાં અને સમયસર આ સેન્ટરનું નિર્માણ કર્યું છે જે પ્રશંસાને પાત્ર છે.”
જાગૃત ભટ્ટે જણાવ્યું હતું કે, "ઓડના વતની ડો. વિજયભાઈ અને ડો. ભીખુભાઈ પટેલને વતન માટે ચેરિટીના કાર્યો કરવાની પ્રેરણા નાનપણથી જ તેમની માતા પૂજ્ય શાન્તાબાએ આપી હતી. કેન્યામાં એકલા હાથે બાળકોનો ઉછેર કરીને પણ તેઓ નાનું મોટું દાન કરતાં હતાં. અને આજેય તેઓ પોતે એમના પેન્શનમાંથી દાન કરે છે. જેનાથી પ્રેરાઈને આ પટેલબંધુઓએ શાંતા ફાઉન્ડેશન, લંડન દ્વારા વેમેડ ક્રિટિકલ કેર સેન્ટર શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે વેમેડ એજ્યુકેશન કોલેજ ચારુતર વિદ્યામંડળ ખાતે વેમેડ ફાર્મસી કોલેજ અને દિવ્યાંગ બાળકોને સક્ષમ બનાવવા અનુપમ મિશનમાં ઉદાર હાથે દાન કર્યું છે. આ પતેલ ભાઇઓએ ગુજરાતમાં પોલિયો કેમ્પ, આઇ કેમ્પનું આયોજન કરી વતનના જરૂરતમંદોની સેવા કરી છે. સૌરાષ્ટ્રના વાંકાનેર ખાતે પણ બન્ને ભાઇઓએ દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ વેમેડ એજ્યુકેશન કોલેજ અને આઇ હોસ્પિટલના નિર્માણ કાર્યમાં માતબર દાન આપ્યું છે.