લંડનઃ મેફેરના ગ્રોસવેનોર હાઉસ ખાતે 17 નવેમ્બરના રોજ આયોજિત સમારોહમાં 14મા એશિયન કરી એવોર્ડ્સની જાહેરાત કરાઇ હતી. કરી ઓસ્કાર તરીકે જાણીતા આ પુરસ્કાર સમારોહમાં 1200 કરતાં વધુ વીઆઇપી ગેસ્ટ હાજર રહ્યાં હતાં. સમારોહનું સંચાલન બીબીસીના ન્યૂઝ એન્કર સામંથા સાયમન્ડ્સ દ્વારા કરાયું હતું. આ પ્રસંગે પાર્લામેન્ટરી મિનિસ્ટર ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ સારા જોન્સ અને સાંસદ રૂશાનારા અલી પણ હાજર રહ્યાં હતાં. આ એવોર્ડ એશિયન કેટરિંગ ફેડરેશન દ્વારા એનાયત કરાય છે. 14મા એવોર્ડ સમારોહમાં ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ ઓફ ધ યરનો એવોર્ડ લંડનના સ્લોન સ્કવેર સ્થિત કહાનીને એનાયત કરાયો હતો. જાપાનિઝ રેસ્ટોરન્ટ ઓફ ધ યરનો પુરસ્કાર માન્ચેસ્ટર સ્થિત સુશી મામા અને ચાઇનિઝ રેસ્ટોરન્ટ ઓફ ધ યરનો પુરસ્કાર લંડનની હક્કાસનને અપાયો હતો.
એશિયન કરી એવોર્ડ્સ શેફ ઓફ ધ યરનો પુરસ્કાર નોધર્મ્પટન સ્થિત અરામિન્તાસના હેડ શેફ શમીમ ચૌધરીને જ્યારે કરી કિંગ ઓફ 2024નો પુરસ્કાર ગ્લાસગો સ્થિત ચારકોલ્સના મોહમ્મદ સુલતાનને અપાયો હતો.
પ્રાદેશિક સ્તરે બેસ્ટ એશિયન રેસ્ટોરન્ટ ઓફ ધ યરમાં બ્રિસ્ટોલની અચારી, ન્યૂકેસલની રાવલ, આબેરડીનની લાઇટ ઓફ બેંગાલ, બેન્ગોરની બેંગાલ, સિટી ઓફ લંડનની મિન્ટ લીફ લોન્જ, કેમ્બ્રિજની નવધન્યનો સમાવેશ થયો હતો.
ન્યૂ કમર્સ એવોર્ડ દ્વારા રિચમન્ડની મધુઝ બ્રેસેરી, ફ્લીટની ગુરુજી, વેલિંગની પનાસ ફાલ્કન, અમનફોર્ડની માય ઇન્ડિયન અને ટ્રફાલગર સ્ક્વેરની કર્નલ સાબને પુરસ્કૃત કરાઇ હતી.
લંડનની ભારતીય રેસ્ટોરન્ટને ઇન્ટરનેશનલ કિચન એવોર્ડ એનાયત
પશ્ચિમ લંડનની જાણીતી ભારતીય રેસ્ટોરન્ટને હોસ્પિટાલિટી એવોર્ડ્સ યુકે 2024માં શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ કિચન એવોર્ડથી સન્માનિત કરાઇ છે. 50મી એનિવર્સરી ઉજવી રહેલી સાઉથહોલ સ્થિત બ્રિલિયન્ટ રેસ્ટોરન્ટને આ પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયો છે. રેસ્ટોરન્ટ દ્વારા ઇન્ડિયન કૂકરી સ્કૂલ પણ ચલાવવામાં આવે છે. રેસ્ટોરન્ટની વાનગીઓમાં કેન્યાનો પ્રભાવ પણ જોવા મળે છે.
લંડનમાં ચાન્સેલી લેન ખાતેની લો સોસાયટીમાં સોમવારે સાંજે આયોજિત સમારોહમાં રેસ્ટોરન્ટને આ એવોર્ડથી સન્માનિત કરાઇ હતી. બ્રિલિયન્ટ રેસ્ટોરન્ટના સહમાલિક દિપના આનંદ કરી ક્વીન તરીકે જાણીતા સેલિબ્રિટી શેફ છે. તેમના પિતા ગુલુ આનંદ પણ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના ટોચના અગ્રણી હતા.