લંડનઃ ભારતની નિધિ ગૌતમ નવી દિલ્હીમાં યુકેના દૂતાવાસ ખાતે એક દિવસ માટે બ્રિટિશ હાઇ કમિશ્નર બની હતી. ભારત ખાતેના યુકેના બ્રિટિશ હાઇ કમિશ્નર લિન્ડી કેમેરોને આ એક દિવસ માટે ડેપ્યુટી હાઇ કમિશ્નરની ફરજ બજાવી હતી.
કર્ણાટકની નિધિ ગૌતમે એક દિવસ માટે બ્રિટિશ હાઇ કમિશ્નરની ભુમિકા ભજવીને રાજદ્વારીઓના જીવન અને કામગીરીને માણવાની સાથે ભારત અને યુકે વચ્ચેની ભાગીદારીની જાણકારી હાંસલ કરી હતી. નવી દિલ્હી સ્થિત બ્રિટિશ હાઇ કમિશન દ્વારા 2017થી ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ ડે નિમિત્તે 11 ઓક્ટોબરના રોજ ભારતીય યુવતીને બ્રિટિશ હાઇ કમિશ્નર બનાવવામાં આવે છે. આ માટે સ્પર્ધા યોજીને પસંદગી કરાય છે. આ વર્ષે આ સ્પર્ધામાં ભારતભરમાંથી 140 કરતાં વધુ યુવતીઓએ ભાગ લીધો હતો. નિધિ ગૌતમ દિલ્હીમાં મિરાન્ડા હાઉસ કોલેજ ખાતે હિસ્ટ્રી અને જ્યોગ્રાફીનો સ્નાતક સ્તરનો અભ્યાસ કરે છે.
નિધિ ગૌતમે જણાવ્યું હતું કે, એક દિવસના બ્રિટિશ હાઇ કમિશ્નર બનીને મને એક અદ્દભૂત અનુભવ મળ્યો જેણે મારા પર અમીટ છાપ છોડી છે. મને વિવિધ વિષયો પરની ચર્ચામાં ભાગ લેવાની સોનેરી તક પ્રાપ્ત થઇ હતી. દરેક ચર્ચાની ફલશ્રુતિ એ રહી કે ટેકનોલોજી સામાજિક ઉત્કર્ષ અને લાભ માટે મહત્વની ભુમિકા ભજવે છે.
ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશ્નર લિન્ડી કેમરોને જણાવ્યું હતું કે, નિધિ સાથેનો એક દિવસ અદ્દભૂત રહ્યો. અમે યુકે અને ભારત વચ્ચેના ટેકનોલોજી સિક્યુરિટી કરારથી માંડીને વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં યુવતીઓની ભુમિકા અંગે પ્રેરણાદાયક ચર્ચાઓ કરી હતી.