લંડનઃ આગામી ઓટમમાં સરકાર દ્વારા રજૂ થનારા ખરડામાં કામદારોને સપ્તાહમાં ચાર દિવસ કામનો નવો અધિકાર અપાશે. કામદારોને અપાનારા નવા અધિકાર અંતર્ગત કામદાર તેણે કોન્ટ્રાક્ટ કરેલા સપ્તાહના કામના કલાકો પાંચના બદલે ચાર દિવસમાં પૂરા કરી શકશે. ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્ડેલા રેયનર આ કાયદો લાવી રહ્યાં છે. તેમણે આ અંગે ટ્રેડ યુનિયનો અને ઉદ્યોગ જગત સાથે પણ ચર્ચા કરી છે.
દાલ કર્મચારીઓ ફ્લેક્સિબલ વર્કિંગનો કાયદાકીય અધિકાર ધરાવે છે પરંતુ કંપનીઓ કર્મચારીની માગ સ્વીકારવા બંધાયેલી નથી. નવો કાયદો આવ્યા બાદ કર્મચારીઓ સોમવારથી ગુરુવાર સુધીમાં તેમના કામના કલાકો પૂરા કરી શુક્રવારે રજા લઇ શકશે.
લેબર સરકારની આ યોજનાનો વિરોધ કરતાં કન્ઝર્વેટિવ પાર્ટીએ ચેતવણી આપી છે કે આ પગલાથી આર્થિક વૃદ્ધિને પ્રાથમિકતા આપવાનું લેબર પાર્ટીનું વચન જોખમમાં મૂકાશ. તેના કારણે કંપનીઓની કામગીરી પર પણ અસર થશે.
કન્ઝર્વેટિવ પાર્ટીના શેડો બિઝનેસ સેક્રેટરી કેવિન હોલિનરેકે જણાવ્યું હતું કે, ઉદ્યોગજગતે ચેતવણી આપી હોવા છતાં એન્જેલા રેયનર ફ્રેન્ચ જેવા યુનિયન કાયદા લાવવાની દિશામાં આગળ વધી રહ્યાં છે. આ કાયદાના કારણે યુકેમાં બિઝનેસ કરવો વધુ ખર્ચાળ બનશે.