લંડનઃ આધુનિક ટેક્નોલોજીના પરિણામે અકલ્પનીય અને અશક્ય લાગતી બાબતો પણ હવે શક્ય બનવા માંડી છે. આવી જ એક ઘટના યુરોપમાં જોવા મળી છે. જેમાં લંડનમાં બેઠેલા ટેટૂ આર્ટિસ્ટે આશરે ૪૦૦ કિલોમીટર દૂર નેધરલેન્ડમાં એક અભિનેત્રીના હાથ પર ટેટૂ બનાવ્યું હતું. આ ટેટૂને દુનિયાના સૌપ્રથમ લોંગ ડિસ્ટન્સ ટેટૂ તરીકે ઓળખ આપવામાં આવી રહી છે. આ માટે ફાઇવ-જી ટેક્નિક અને અત્યાધુનિક રોબોટિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટેટૂ આર્ટિસ્ટ વેન્સ થોમસે આ અનોખી સિદ્વિ ટેક્નોલોજીસ્ટ નોએલ ડૂની મદદથી પ્રાપ્ત કરી હતી. આ ટેટૂ બનાવવામાં થ્રી-ડી પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આર્ટિસ્ટે વેન્સ થોમસે લંડન સ્થિત પોતાના સ્ટુડિયોમાં બેઠાં બેઠાં ટેક્નોલોજીની સહાયતાથી ટેટૂ કામગીરી કરી હતી. તેમના ટેટૂ આર્ટને નેધરલેન્ડના એક રોબોટિક આર્મની સાથે જોડવામાં આવ્યું હતું અને આ રોબોટિક આર્મે નેધરલેન્ડમાં બેઠેલી અભિનેત્રી સ્ટિજન ફ્રેસેનના હાથ પર આ ટેટૂને ઉતાર્યું હતું.