લંડનઃ બ્રિટનની એક ઓનલાઈન સ્ટોર કંપનીએ ‘થોટ બોક્સ’ બનાવીને દાવો કર્યો છે કે તેને પહેરવાથી નવા વિચાર આવી શકે છે. થોટ બોક્સની કિંમત ૬૫૦ ડોલર રખાઈ છે! તેની સાથે એક સ્ટૂલ પણ અપાય છે. તેના પર બેસીને બોક્સ પહેરવાનું રહેશે. કાળા રંગનું આ થોટ બોક્સ પૂંઠામાંથી બનાવાયું છે. તે પહેરતી વખતે કોઈ તકલીફ ન પડે તે માટે તેની અંદરના ભાગે કાપડ લગાવેલું છે. કંપનીની વેબસાઇટ મુજબ, બોક્સ પહેરવાથી વિચારવાની ક્ષમતા વધશે. બોક્સને અંદરથી એવું બનાવાયું છે કે તમે પ્લાસ્ટિક હેલમેટની જેમ તેને એડજસ્ટ કરી શકો છો. તેમાં ઇયરફોન અને રંગીન કપડાંના ફિલ્ટર પણ આપેલા છે. મૂડ પ્રમાણે તમે ફિલ્ટર બદલી શકો છો. થોટ બોક્સનો સ્ટોક મર્યાદિત હોવાનું પણ વેબસાઇટ પર જણાવાયું છે. જોકે, સોશિયલ મીડિયા પર આ બોક્સના પ્રચારને ઘણા લોકોએ ભ્રમિત કરનારો ગણાવ્યો છે. એક મહિલાએ કહ્યું, ‘મને હસવું આવી રહ્યું છે. વિચારના ઘોડા દોડાવવા માટે તો ટોઇલેટ જ કાયમી ધોરણે શ્રેષ્ઠ જગ્યા છે.’ આ બહેનની વાતમાં દમ તો છે, ગાંધીજીએ ટોઇલેટને કંઇ અમસ્તું જ ‘શૌચાલય’ નામ નથી આપ્યું.