સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ... કાચબા અને સસલાંની દોડની હરીફાઈની વાર્તામાંથી આ કહેવત વિશ્વપ્રસિદ્ધ બની છે, પરંતુ યુકેમાં આ વાર્તાથી પણ ધીમો કાચબો અસ્તિત્વ ધરાવે છે. યુકેના વિલ્ટશાયરમાં એક પરિવારે પાળેલો મેક્સી નામનો ૧૪ વર્ષનો કાચબો એક વર્ષ પહેલાં નાસી છૂટ્યો હતો. જેથી પરિવારે કાચબો ગાયબ થયો હોવા અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ મૂકી હતી. આ બનાવના એક વર્ષ બાદ ઘરથી ૦.૭ માઈલ એટલે આશરે એકાદ કિમી દૂર આવેલા એક ખેતરની વચ્ચે ખેડૂત પરિવારની મહિલા તેના શ્વાનને લઈને વોક પર નીકળી ત્યારે તેણે મેક્સીને ખેતરમાં જોયો હતો. મેક્સીને ઘરે લઈ જઈ તેણે પાણી અને ખોરાક આપ્યાં હતાં અને ત્યારબાદ લોકલ ફેસબુક ગ્રૂપમાં મિસિંગ પશુઓની પોસ્ટ સર્ચ કરી હતી. જેમાં તેમને તેની નજીકમાં જ આવેલા ઘરમાં રહેતા પરિવારની ફેસબુક પોસ્ટ મળી હતી. આ પછી તેણે કાચબો આ પરિવારને પરત કર્યો હતો. કાચબાને પાળનારા પરિવારનું કહેવું છે કે મેક્સી ૧૦ વર્ષનો હતો ત્યારે પણ આવી રીતે અચાનક ગાયબ થઈ ગયો હતો અને એક વર્ષ બાદ આપોઆપ પરત પણ આવી ગયો હતો. જોકે આ વખતે તેના પરત ફરવાની અમે આશા છોડી દીધી હતી.