લંડનઃ હાઇકોર્ટે તેના ચુકાદામાં હોમ ઓફિસ પર ગંભીર આરોપ મૂકતાં જણાવ્યું છે કે હોમ ઓફિસે યુકેમાં કાયદેસર રીતે કામ કરી રહેલા માઇગ્રન્ટ્સને તેમના સ્ટેટસના પુરાવા આપવાનો ગેરકાયદેસર રીતે ઇનકાર કર્યો છે. એક મહત્વના ચુકાદામાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે, હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલી કાયદેસરનું ઇમિગ્રેશન સ્ટેટસ ધરાવતા હજારો માઇગ્રન્ટ્સને દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવામાં ગેરકાયદેસર રીતે વર્ત્યા છે.
1940 અને 1950ના દાયકામાં યુકેમાં આવેલી વિન્ડરશ પેઢીની સમસ્યાઓનો ઉલ્લેખ કરતાં હાઇકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, ઇમિગ્રેશન સ્ટેટસ અને અધિકારોના દસ્તાવેજી પુરાવા તાત્કાલિક ઉપલબ્ધ ન થવાના કારણે મોટી સંખ્યામાં માઇગ્રન્ટ્સ આકરી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. આ સમસ્યાઓના પરિણામો ઘણા ગંભીર હોઇ શકે છે. તેમ મિસ્ટર જસ્ટિસ કાવાનાહે જણાવ્યું હતું.
આ સમસ્યા વિન્ડરશ સ્કેન્ડલની યાદ અપાવી રહી છે જેમાં યુકેમાં રહેવાની મંજૂરી ધરાવતા માઇગ્રન્ટ્સના રેકોર્ડ રાખવામાં સરકારની નિષ્ફળ રહી હતી. તેમને તેમના સ્ટેટસ પૂરવાર કરતા જરૂરી દસ્તાવેજો જારી કરાયા નહોતા. તેનો અર્થ એ થયો કે તેમને હેલ્થકેર, નોકરી, હાઉસિંગ જેવી સુવિધાઓથી વંચિત રહેવું પડયું હતું. કેટલાક લોકોને તો દેશનિકાલ પણ કરાયાં હતાં.
ફેમિલી વિઝા માટેની લઘુત્તમ આવક મર્યાદા વધારવાના નિર્ણયને કોર્ટમાં પડકાર
ફેમિલી વિઝા માટેની લઘુત્તમ આવક મર્યાદામાં હજારો પાઉન્ડનો વધારો કરવાના સરકારના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. રિયુનાઇટ ફેમિલીઝ યુકેના લોયરે જણાવ્યું છે કે ડિસેમ્બર 2023માં સરકાર દ્વારા જાહેર કરાયેલો નવો નિયમ હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલી દ્વારા લેવાયેલો ઉતાવળિયો નિર્ણય હતો. રિયુનાઇટ ફેમિલીઝ યુકેએ જણાવ્યું હતું કે, અમે કોર્ટમાં આ નિર્ણયને કાયદાકીય પડકાર આપ્યો છે. જેમ્સ ક્લેવરલી દ્વારા ગેરકાયદેસર રીતે આ નિર્ણય લેવાયો છે તેના આધારે તેને રદ કરવા અમે હાઇકોર્ટને અપીલ કરી છે.