લંડનઃ યુકેમાં કાર ઇન્શ્યુરન્સ મોંઘોદાટ બની રહ્યો છે. કારના વીમાના સરેરાશ પ્રીમિયમ લગભગ 1000 પાઉન્ડ પર પહોંચી ગયાં છે. સાંસદોએ ચેતવણી આપી છે કે પરિવારો ઊંચા પ્રીમિયમના કારણે સંઘર્ષ કરી રહ્યાં છે. તેમના માટે ભોજન અને પ્રીમિયમ વચ્ચેની પસંદગી આકરી બની રહી છે.
વીમાના પ્રીમિયમની સરખામણી કરી આપતી એક વેબસાઇટના જણાવ્યા અનુસાર કારના વીમાનું સરેરાશ પ્રીમિયમ 941 પાઉન્ડ પર પહોંચી ગયું છે જે છેલ્લા 12 મહિનામાં 284 પાઉન્ડ એટલે કે 43 ટકાનો વધારો દર્શાવે છે. જાન્યુઆરીમાં કાર વીમા કવચ 995 પાઉન્ડ રહ્યું હતું.
સેકન્ડ હેન્ડ કાર, સ્પેરપાર્ટ્સની વધતી કિંમત, ગેરેજમાં રિપેરિંગના ખર્ચમાં વધારો થવાના કારણે વીમા કંપનીઓ માટે દાવાઓ મોંઘા બની રહ્યાં છે. તેના કારણે વીમા કંપનીઓ દ્વારા પ્રીમિયમમાં તોતિંગ વધારો કરાતાં કેટલાક પરિવારોને હવે કાર વીમા પોસાય તેવા રહ્યાં નથી. હવે કોમન્સ ટ્રઝરી સિલેક્ટ કમિટીએ વીમા પ્રીમિયમમાં થઇ રહેલા અસહ્ય વધારાની તપાસ શરૂ કરી છે.
સીટિઝન એડવાઇઝ ખાતેના પ્રિન્સિપલ પોલિસી મેનેજર ડેવિડ મેન્ડિસ દ કોસ્ટાએ જણાવ્યું હતું કે, વીમો પોસાય નહીં તેવા મદદ માટે આવતા લોકોની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો છે. પ્રીમિયમ ન પોસાવાના કારણે કાર વીમો રદ કરાવી નાખનાર લોકોની સંખ્યા 2022માં પાંચ ટકા હતી જે 2023માં વધીને 50 ટકા પર પહોંચી ગઇ છે. નોકરી, બાળકોને શાળાએ મૂકવા, અન્ય ઘરેલુ કામકાજ જેવી મજબૂરીઓના કારણે ઘણા પરિવારોને સંઘર્ષ કરીને પણ વીમાના ઊંચા પ્રીમિયમ ચૂકવવાની નોબત આવી છે.