લંડનઃ જમ્મુ-કાશ્મીરના મૂળ વતની સહિતના બ્રિટિશ ભારતીયોના સંગઠનોએ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે જાગૃતિ ફેલાવવાના આશયથી યુકેની સંસદના પરિસર નજીક દેખાવો કર્યા હતા. તેમણે સંસદ પરિસરમાં આયોજિત પ્રોપેગેન્ડા ઇવેન્ટનો પણ વિરોધ કર્યો હતો. મંગળવારે આયોજિત આ પ્રદર્શનને ઇન્ડો-યુરોપ કાશ્મીર ફોરમના અધ્યક્ષ ક્રિશ્ના ભાન સહિત બ્રિટિશ ભારતીય સમુદાયના અગ્રણીઓએ સંબોધન કર્યું હતું.
સંસદ પરિસરમાં આયોજિત ઓલ પાર્ટી કાશ્મીર કોન્ફરન્સના જવાબમાં આ પ્રદર્શન કરાયું હતું. પ્રદર્શનકારીઓનો આરોપ હતો કે આ ઇવેન્ટમાં જમ્મુ-કાશ્મીરની વાસ્તવિક સ્થિતિની અવગણના કરીને પાકિસ્તાનના એજન્ડાને મહત્વ આપવામાં આવ્યું હતું.
પ્રદર્શનકારીઓ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, અમે જમ્મુ-કાશ્મીરમાં સતત અંધાધૂંધી ફેલાવવા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં માનવ અધિકાર ઉલ્લંઘનોને ઉજાગર કરવા પ્રયાસ કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો અંત લાવવા અમે તમામ સાંસદો અને અન્ય સંગઠનોને અપીલ કરીએ છીએ.
તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા ફેલાવાતા આતંકવાદના કારણે આજે પણ જમ્મુ-કાશ્મીર અશાંતિમાં સપડાયેલું છે. સંસદમાં આયોજિત ઇવેન્ટમાં કાશ્મીરી હિન્દુ, ડોગરા, ગુજ્જર, બકરવાલ, પહાડી, શીખ અને બૌદ્ધોની જાણીજોઇને બાદબાકી કરાઇ છે.