લંડનઃ ડચેસ ઓફ સસેક્સ મેઘન મર્કેલ સાથેના પ્રિન્સ હેરીના લગ્નજીવન અંગે સેવાઇ રહેલી શંકાઓ મધ્યે કિંગ ચાર્લ્સ તેમના બીજા ક્રમના દીકરાને વિલમાંથી બાકાત રાખવા વિચારણા કરી રહ્યાં છે. વિસ્ફોટક અખબારી અહેવાલો અનુસાર પ્રિન્સ વિલિયમની તાજપોશી પહેલાં રાજવી પરિવારની 55 બિલિયન પાઉન્ડની સંપત્તિ સંરક્ષિત કરવા આ આકરું પગલું લેવા સિવાય કિંગ ચાર્લ્સ પાસે બીજો કોઇ વિકલ્પ રહી ગયો નથી.
રાજવી વતૃળોમાં ઘણાને એમ લાગી રહ્યું છે કે પ્રિન્સ હેરી વારસાને લાયક નથી તેથી કિંગ ચાર્લ્સ તેમને વિલમાંથી બાકાત કરી શકે છે. આમ તો કિંગ ચાર્લ્સ ઘણા લાંબા સમય પહેલાં વિલ લખી ચૂક્યાં છે પરંતુ રાજવી પરિવારના ચોક્કસ સભ્યો અને તેમના દરબારીઓ તેમને વિલમાંથી પ્રિન્સ હેરીને બાકાત રાખાવ નવેસરથી વિલ તૈયાર કરવા ભલામણ કરી રહ્યાં છે.
પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલ વચ્ચે છૂટાછેડાની સંભાવનાઓની ચર્ચા મધ્યે કિંગ ચાર્લ્સ આ પગલું લઇ શકે છે કારણ કે તેમને ભય છે કે મેઘન મર્કેલ છૂટાછેડા માટે પ્રિન્સ હેરી પાસે મોટી માગ કરી શકે છે. એમ માનવામાં આવે છે કે છૂટાછેડા પછીના જીવન માટે મેઘન મર્કેલ અત્યારથી ખરીદી અને તૈયારી કરી રહ્યાં છે. જોકે હાલ પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલ વચ્ચે છૂટાછેડાની સંભાવના ઓછી દેખાઇ રહી છે પરંતુ આ મામલમાં કિંગ ચાર્લ્સ ઘણા સાવધ છે. રાજવી વારસામાં મેઘન મર્કેલ કોઇ ભાગ ન પડાવે તે માટે કિંગ જરૂરી તમામ પગલાં લઇ શકે છે.