લંડનઃ કિંગ ચાર્લ્સે 14 નવેમ્બરના રોજ 76મા જન્મદિવસની ઉજવણી કરી હતી. 2024નું વર્ષ રાજવી પરિવાર માટે ઘણું પીડાદાયક રહ્યું છે. કિંગ ચાર્લ્સ અને તેમની પુત્રવધૂ પ્રિન્સેસ કેટને કેન્સર હોવાનું નિદાન થયું હતું. બ્રિટિશ રાજવીએ તેમના જન્મદિવસ પ્રસંગે બે ફૂડ ડિસ્ટ્રિબ્યુશન હબનો પ્રારંભ કરાવ્યો હતો. આ હબનો ઉદ્દેશ્ય વધારાના ખોરાકને જરૂરીયાતમંદો સુધી પહોંચાડવાનો છે. બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે, જરૂરીયાતમંદોને મદદ ઉપલબ્ધ કરાવવા ફૂડ ચેરિટીઓ માટે કામગીરી સરળ બનાવવાનો તેમનો ઉદ્દેશ્ય છે. જન્મદિવસની પૂર્વ સંધ્યાએ કિંગ ચાર્લ્સે લંડનમાં ગ્લેડિયેટર ટુ ફિલ્મના પ્રિમિયરમાં હાજરી આપી હતી અને કલાકારોને શુભેચ્છા પાઠવી હતી.
બીજીતરફ બ્રિટિશ સેના દ્વારા સમગ્ર દેશમાં તોપની સલામી દ્વારા કિંગ ચાર્લ્સના 76મા જન્મદિવસની ઉજવણી કરાઇહતી. લંડનમાં ગ્રીન પાર્ક ખાતે રોયલ હોર્સ આર્ટિલરી દ્વારા કિંગ ચાર્લ્સને 41 તોપની સલામી અપાઇ હતી. એડિનબરો કેસલ ખાતે રોયલ રેજિમેન્ટ ઓફ સ્કોટલેન્ડની બાલાક્લાવા કંપની દ્વારા કિંગને તોપની સલામી અપાઇ હતી.
ક્વીન એલિઝાબેથની જેમ કિંગ ચાર્લ્સના પણ બે જન્મદિવસ ઉજવાય છે
કિંગ ચાર્લ્સ તૃતીયના તેમની માતા ક્વીન એલિઝાબેથની જેમ બે જન્મદિવસ છે. ક્વીન એલિઝાબેથનો જન્મ 21 એપ્રિલ 1926ના રોજ થયો હતો. પરંતુ તેમના જન્મદિવસની સત્તાવાર ઉજવણી ટ્રુપિંગ ધ કલર પરેડના સ્વરૂપમાં કરાતી હતી. ક્વીનના 7 દાયકાના શાસનકાળમાં ક્વીન દર વર્ષે બે જન્મદિવસની ઉજવણી કરાતી હતી. કિંગ ચાર્લ્સે પણ આ પરંપરાને જાળવી રાખી છે. જૂનમાં ટ્રુપિંગ ધ કલર્સ સમયે રાજાના જન્મદિવસની સત્તાવાર ઉજવણી કરાય છે અને નવેમ્બરમાં તેમના વાસ્તવિક જન્મદિવસની ઉજવણી કરાય છે.