લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કેમિલાનું અનૌરસ સંતાન હોવાનો દાવો કરતા બ્રિટિશ ઓસ્ટ્રેલિયન સાયમન ડોરાન્ટે-ડેએ કિંગ ચાર્લ્સનો પેટરનિટી ટેસ્ટ કરાવવાની માગ કરી છે. આગામી ઓક્ટોબરમાં કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા ઓસ્ટ્રલિયાની સત્તાવાર મુલાકાતે જવાના છે ત્યારે સાયમન તેમની સામે અદાલતી કાર્યવાહી શરૂ કરવાની તક જોઇ રહ્યા છે. સાયમન કિંગ ચાર્લ્સને અદાલતમાં ઘસડી જઇ તેમનો પેટરનિટી ટેસ્ટ કરાવવાની માગ કરી રહ્યાં છે.
એક મીડિયા મુલાકાતમાં સાયમને સત્ય બહાર લાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જોકે તેમણે આ કેસની ચોક્કસ વિગતો જાહેર કરવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે હું અને મારી પત્ની એલ્વીઆન્ના પુરાવા એકત્ર કરવા માટે અથાક પરિશ્રમ કરી રહ્યાં છીએ.
સાયમન છેલ્લા ઘણા વર્ષોથી કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાના ડીએનએ ટેસ્ટ કરાવવાની માગ કરી રહ્યાં છે. તેઓ આ દાવો નાણા કે પ્રસિદ્ધી મેળવવા માટે કરી રહ્યાં નથી. હું ફક્ત સત્ય બહાર લાવવા માગુ છું. હું ઇચ્છુ છુ કે કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા તેમના મુખે સત્યનો સ્વીકાર કરે.
વિન્ડસર કેસલમાં 1 જૂનથી સ્થાનિકોને વિનામૂલ્યે પ્રવેશ નહીં મળે
વિન્ડસર કેસલે સ્થાનિકોને અપાતા વિનામૂલ્યે પ્રવેશને અટકાવી દીધો છે જેના પગલે સ્થાનિકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. 1 જૂનથી રોયલ બરો ઓફ વિન્ડસરના રહેવાસી અને મેઇડનહેડ એડવાન્ટેજ કાર્ડધારકોને વિન્ડસર કેસલમાં પ્રવેશવા માટે નાણા ચૂકવવા પડશે. જો કે તેમને એન્ટ્રી ફીમાં 50 ટકાનું ડિસ્કાઉન્ટ અપાશે. પર્યટકોની સીઝન દરમિયાન સ્થાનિક રહેવાસીઓ તેમની દુકાનો અને રેસ્ટોરન્ટમાં પર્યટકોને ખુશીથી આવકારે છે. પોતાની ટેક્સીમાં આસપાસના સ્થળોની મુલાકાત કરાવે છે. તેના બદલામાં સ્થાનિકો તેમની ઇચ્છા થાય ત્યારે કેસલની મુલાકાત લઇ શકે છે.