લંડનઃ કિંગ ચાર્લ્સે 2022 પછીની સૌપ્રથમ સત્તાવાર સંયુક્ત મુલાકાતમાં પ્રિન્સ ઓફ વેલ્સને આર્મી એર કોર્પ્સના કર્નલ ઇન ચીફનો હોદ્દો સોંપ્યો હતો. હેમ્પશાયર સ્થિત મિડલ વોલોપ ખાતેના આર્મી એવિએશન સેન્ટરમાં લશ્કરી મુલાકાતમાં કિંગ ચાર્લ્સ અને પ્રિન્સ વિલિયમ હાજર રહ્યાં હતાં. આ પહેલાં કિંગ ચાર્લ્સ અને પ્રિન્સ વિલિયમ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદની સત્તાવાર જાહેર મુલાકાતમાં સાથે દેખાયાં હતાં.
રાજવી પરિવાર સાથે સંકળાયેલા લોકો કિંગ ચાર્લ્સ અને પ્રિન્સ વિલિયમની આ મુલાકાતને એકતાના પ્રતીક તરીકે જોઇ રહ્યાં છે. ગયા સપ્તાહમાં કિંગ ચાર્લ્સના બીજા પુત્ર પ્રિન્સ હેરી લંડનની મુલાકાતે આવ્યા હતા પરંતુ કિંગ ચાર્લ્સે તેમની સાથે મુલાકાત કરી નહોતી. પ્રિન્સ હેરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કિંગ એટલા વ્યસ્ત છે કે તેમની પાસે તેમના પુત્રને મળવાનો પણ સમય નથી.