લંડનઃ કિંગ ચાર્લ્સને ગયા સપ્તાહમાં તેમની તાજપોશીનું સુંદર વર્ણન કરતો દસ્તાવેજ અર્પણ કરાયો હતો. મે 2023માં વેસ્ટ મિન્સ્ટર એબી ખાતે ઐતિહાસિક ચર્ચ સર્વિસમાં કિંગ ચાર્લ્સ તૃતીયની તાજપોશી કરાઇ હતી. છેલ્લા 700 વર્ષથી બ્રિટનના રાજાને તેમની તાજપોશીની ક્ષણોનું વર્ણન કરતું કોરોનેશન સ્ક્રોલ અર્પણ થતું આવ્યું છે. કિંગ ચાર્લ્સ તૃતીયને અર્પણ કરાયેલા કોરોનેશન સ્ક્રોલ (ઓળિયું)માં રાજાશાહીના ઇતિહાસમાં પહેલીવાર પ્રાણીના ચામડાનો ઉપયોગ કરાયો નથી. આ પ્રસંગે કિંગ ચાર્લ્સે જણાવ્યું હતું કે, આ એક અદ્દભૂત કામગીરી છે. તેમની સાથે રહેલાં ક્વીન કેમિલાએ જણાવ્યું હતું કે, તેને વાંચવા માટે મારે ચશ્માની જરૂર પડશે. કિંગ ચાર્લ્સે મજાકમાં જણાવ્યું હતું કે શું તેમાં બધા સ્પેલિંગ બરાબર છે ને...
કિંગ ચાર્લ્સને અર્પણ કરાયેલા કોરોનેશન સ્ક્રોલની લંબાઇ 69 ફૂટ એટલે કે 21 મીટર છે. જેમાં તેમની તાજપોશી અંગે 11,500 શબ્દ વિશેષ રીતે તૈયાર કરાયેલી શાહીથી કેલિગ્રાફર સ્ટિફની વોન વેધર્ન ગિલ દ્વારા લખાયાં છે. તેમણે જણાવ્યું હતું કે, મને આ સ્ક્રોલ લખતાં 56 દિવસ લાગ્યાં હતાં.