લંડનઃ કિંગ ચાર્લ્સની પ્રેરણા દ્વારા ડિઝાઇન કરાયેલાં એક ડઝન નવા ટાઉનનું સ્ટાર્મર સરકાર દ્વારા નિર્માણ કરાશે. કિંગ ઇચ્છે છે કે આ તમામ ટાઉનનું નિર્માણ બ્રિટિશ વર્કર્સ દ્વારા કરાય. વડાપ્રધાન સ્ટાર્મર સમગ્ર ઇંગ્લેન્ડમાં નવા ટાઉનના નિર્માણ માટે 100 જેટલાં વિસ્તારને ચિહ્નિત કરશે. તેમાંથી એક ડઝન વિસ્તારની આગામી ઉનાળામાં જાહેરાત કરી દેવાશે.
વડાપ્રધાન દેશમાં 1.5 મિલિયન નવા મકાનો તૈયાર કરવા માગે છે. તેમના જણાવ્યા અનુસાર 7 લાખ મકાનો સિસ્ટમમાં અટવાઇ રહ્યાં છે. પર્યાવરણ અને અન્ય નિયમોના અવરોધો દૂર કરીને પ્રોજેક્ટોને મંજૂર અપાશે.
લેબર પાર્ટી જ્યોર્જિયન ટાઉન હાઉસ અને એડવર્ડિયન મેન્શનને મહત્વના પ્રેરણાસ્ત્રોત ગણાવી રહ્યાં છે. નવા તૈયાર થનારા ટાઉનમાં રસ્તા પહોળા હશે અને સ્ટ્રીટ વિવિધ રંગોથી રંગાયેલી રહેશે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, ટાઉનમાં તૈયાર થનારા મકાનોની ડિઝાઇન શ્રેષ્ઠ હોવી જોઇએ.
ગયા સપ્તાહમાં વડાપ્રધાન સ્ટાર્મર અને નાયબ વડાપ્રધાન એન્જેલા રેયનરે નાન્સલેડેનની કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરી હતી. કોર્નવોલમાં બની રહેલા આ નવા ટાઉનના નિર્માણમાં કિંગ ચાર્લ્સ દ્વારા સૂચવાયેલા સિદ્ધાંતોને અનુસરવામાં આવી રહ્યાં છે.