મુંબઈઃ સીબીઆઈએ ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા સામે કોર્ટમાં દાખલ કરેલા પુરક આરોપનામામાં દાવો કર્યો છે કે 2015-16 દરમ્યાન જ્યારે કિંગફિશર એરલાઇન્સ આર્થિક ભીંસમાં હતી ત્યારે માલ્યાએ ઈંગ્લેન્ડ અને ફ્રાંસમાં રૂ. 330 કરોડની સંપત્તિ ખરીદી હતી. બેન્કોએ પણ બાકી લેણાંની વસૂલાત કરી નહોતી.
માલ્યા રૂ. 900 કરોડથી વધુના આઈડીબીઆઈ બેન્ક - કિંગફિશર એરલાઈન્સ લોન કૌભાંડનો આરોપી છે, જેની તપાસ સીબીઆઈ કરે છે. સીબીઆઈએ હાલમાં વિશેષ કોર્ટમાં પુરક આરોપનામું દાખલ કર્યું છે. જેમાં ગત આરોપનામામાં સામેલ તમામ 11 આરોપીઓની સાથે આઈડીબીઆઈ બેન્કના ભૂતપૂર્વ જનરલ મેનેજર બુદ્ધદેવ દાસગુપ્તાનું નામ પણ જોડયું છે.
એજન્સીએ આરોપનામામાં દાવો કર્યો છે કે પોતાના અધિકારનો દુરુપયોગ કરીને દાસગુપ્તાએ ઓક્ટોબર 2009માં 150 કરોડની શોર્ટ ટર્મલોન (એસટીએલ)ની મંજૂરી અને વિતરણમાં આઈડીબીઆઈ બેન્ક અને માલ્યાના અધિકારીઓ સાથે કાવતરું રચ્યું હતું. આરોપનામામાં જણાવાયું છે કે આઈડીબીઆઈ બેન્કનું એક્સપોઝર રૂ. 750 કરોડની કુલ રકમ સુધી સિમિત હોવું જોઈતું હતું પણ ડિસેમ્બર 2009માં આ રકમ રૂ. 900 કરોડ થઈ હતી કેમ કે રૂ. 150 કરોડની એસટીએલ મોટા પાયે દાસગુપ્તાના કહેવાથી એક અલગ લોનના રૂપમાં રાખવામાં આવી હતી.
માલ્યાએ 2015-16માં યુકેમાં 80 કરોડની સંપત્તિ અને ફ્રાન્સમાં 2008માં 250 કરોડની સંપત્તિ ખરીદી હતી. આ દરમ્યાન એરલાઈન્સ ગંભીર આર્થિક ભીંસનો સામનો કરી રહી હતી અને માલ્યાએ બેન્ક લોન ચુકવી નહોતી. આરોપનામામાં દાવો કરાયો છે કે માલ્યા પાસે 2008 અને 2016-17 દરમિયાન પુરતી સંપત્તિ હતી.