લંડનઃ કિંગસ્ટનમાં નમસ્તે કિંગસ્ટન દ્વારા 19 ઓક્ટોબરના રોજ કિંગસ્ટન એકેડેમી ખાતે વાર્ષિક દિવાળી ઉત્સવનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં પરિવારો અને સમુદાયના સભ્યો હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે રજૂ કરાયેલા ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમમાં રોયલ બરો ઓફ કિંગસ્ટનના મેયર લિઝ ગ્રીન, કિંગસ્ટનના સાંસદ સર એડ ડેવી, રિચમન્ડ પાર્કના સાંસદ સારાહ ઓલનીએ પણ હાજરી આપી હતી.
શ્રદ્ધા બલ્લાલે મહાનુભાવોને આવકારતાં નમસ્તે કિંગસ્ટનની સ્થાપનાની કથા વર્ણવી હતી. સપ્ટેમ્બર 2023માં સ્થપાયેલ નમસ્તે કિંગસ્ટન સાંસ્કૃતિક વૈવિધ્યતા, સ્થાનિક બિઝનેસ અને કલાને પ્રોત્સાહન આપતું સામુદાયિક સંગઠન છે.
હાજર રહેલા મહાનુભાવો દ્વારા પરંપરાગત દીવા પ્રગટાવીને દિવાળીની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ વિશ્વાધિકા સિંહ દ્વારા ગણેશ વંદના પર આધારિત કથ્થક નૃત્ય રજૂ કરાયું હતું. ત્યારબાદ બોલિવૂડ આધારિત કાર્યક્રમો રજૂ કરાયાં હતાં. આ પ્રસંગે 40 કરતાં વધુ બિઝનેસ દ્વારા સ્ટોલ પણ લગાવાયાં હતાં.
આ પ્રસંગે મેયર લિઝ ગ્રીને સમાજમાં એકતાને પ્રોત્સાહિત કરતા આ પ્રકારના કાર્યક્રમોના આયોજનને બિરદાવ્યા હતા અને સાંસ્કૃતિક એકતાના મહત્વ અને વૈવિધ્યતાની ઉજવણીને કિંગસ્ટનની વિશેષ ઓળખ ગણાવ્યાં હતાં. આ પ્રસંગે સંગઠન દ્વારા કિંગસ્ટન2025 કેલેન્ડર પણ જારી કર્યું હતું.