લંડન, અબુજાઃ લંડનની ઓલ્ડ બેઈલી કોર્ટે માનવ તસ્કરી અને ગેરકાયદે ઓર્ગન હાર્વેસ્ટિંગના કાવતરા કેસમાં નાઈજિરિયાના સેનેટર આઈક એક્વેરમાડુ, તેમની પત્ની બીટ્રિસ અને ડોક્ટર ઓબિન્ના ઓબેટાને શુક્રવાર 5 મેએ જેલની સજા ફરમાવી છ. બ્રિટનના આધુનિક સ્લેવરી કાયદાઓ હેઠળ સેનેટર એક્વેરમાડુને 9 વર્ષ અને 8 મહિના, તેમની પત્ની બીટ્રિસને 4 વર્ષ અને 6 મહિના તથા ડોક્ટર ઓબેટાને 10 વર્ષની જેલની સજા જાહેર કરાઈ હતી. કોર્ટે સેનેટરની દીકરીને દોષિત ઠરાવી ન હતી.
સેનેટર એક્વેરમાડુની પુત્રી સોનિયાને કિડનીની ગંભીર બીમારી છે અને તેને નિયમિત ડાયાલિસીસ કરાવવું પડે છે. સેનેટરે પુત્રી માટે લાગોસના 21 વર્ષીય ઘરવિહોણા ફેરિયાની કિડની મળે તેવી વ્યવસ્થા કરી હતી. આ ફેરિયાને યુકેમાં કહેવા અને સારા પગારની નોકરીની લાલચ તેમજ 7,000 પાઉન્ડના ઈનામની ઓફર સાથે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે માર્ચ મહિનામાં યુકે લવાયો હતો. લંડનની રોયલ ફ્રી હોસ્પિટલમાં મેડિકલ કન્સલ્ટન્ટને શંકા જતા તેણે યુવકની પૂછપરછ કરી ત્યારે હકીકતો બહાર આવી હતી અને ઓપરેશન પડતું મૂકાયું હતું. યુકેના કાયદાઓ હેઠળ નિઃસ્વાર્થભાવે કિડની આપવી કાયદેસર ગણાય છે પરંતુ, નાણાકીય અથવા ચીજવસ્તુના વળતરના બદલામાં આમ કરવું ગેરકાયદે ગણાય છે
સેનેટર આઈક એક્વેરમાડુ 12 વર્ષ સુધી ડેપ્યુટી સેનેટ પ્રેસિડેન્ટ હતા અને બીમાર પુત્રીને મદદ કરવાની મજબૂરીમાં તેમના કેસથી દેશમાં સહાનુભૂતિ સર્જાઈ હતી. બીજી તરફ, યુકેની સેન્ટ્રલ ક્રિમિનલ કોર્ટ દ્વારા સજા જાહેર કરાઈ તે અગાઉ નાઈજિરિયાના સ્પીકર, સેનેટ પ્રેસિડેન્ટ તેમજ વેસ્ટ આફ્રિકન બ્લોકની પાર્લામેન્ટના સ્પીકર સહિત કેટલાક રાજકારણીઓએ બ્રિટિશ ન્યાયતંત્રને સેનેટર પ્રતિ ઉદારતા દર્શાવવા પત્ર પાઠવ્યો હતો. જોકે, બ્રિટિશ કોર્ટ માફીની અપીલો ફગાવી સજા જાહેર કરી હતી. નાઈજિરિયાના કેટલાક લોકોએ દોષિત અપરાધીને માફી અપાવવા પોતાની વગનો ઉપયોગ કરવા બદલ ઉચ્ચ રાજકારણીઓની ટીકા પણ કરી હતી.