લંડનઃ પૂર્વ સાંસદ કીથ વાઝે લેસ્ટરની એક નવી સ્થાનિક પાર્ટી માટે તેમની જૂની બેઠક પરથી ઉમેદવારી કરવાની જાહેરાત કરતાં લેબર પાર્ટીમાંથી હાંકી કઢાયા છે. લેબર પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, પક્ષના જ ઉમેદવાર સામે જાહેર ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા સામે પ્રતિબંધ ફરમાવતા પાર્ટીના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે વાઝને પાર્ટીમાંથી દૂર કરાયાં છે.
છેલ્લા ઘણા સમયથી લેબર પાર્ટીના સ્થાનિક સભ્યો કીથ વાઝને પાર્ટીમાંથી દૂર કરવાની માગ કરી રહ્યાં હતાં. તેમણે ચેતવણી આપી હતી કે કીથ વાઝ લેસ્ટ ઇસ્ટમાં સ્થાનિક હિન્દુ સમુદાય પર ધ્યાન કેન્દ્રિત કરીને છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી અભિયાન ચલાવી રહ્યા હતા.
કીથ વાઝ ચાર વર્ષ પહેલાં સંસદમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ચૂક્યા હતા. સ્ટાન્ડર્ડ્સ કમિશ્નર દ્વારા ચાલતી તપાસમાં અવરોધ ઊભા કરવા અને સેક્સ વર્કર્સ માટે કોકેન ખરીદવાની ઓફર આપવા માટે કીથ વાઝ પર હાઉસ કોમન્સમાં 6 મહિનાનો પ્રતિબંધ લાગ્યા બાદ તેમણે નિવૃત્તિ જાહેર કરી હતી.
મતદારો મધ્યે વહેંચાઇ રહેલા ચોપાનિયામાં કીથ વાઝે જણાવ્યું હતું કે, ઘણા લોકો મને ફરીવાર ચૂંટણીમાં ઝંપલાવવા અપીલ કરી રહ્યાં હતાં તેથી મેં ઉમેદવારીનો નિર્ણય કર્યો છે. હું લેસ્ટરની નવી પાર્ટી વન લેસ્ટર તરફથી ઉમેદવારી કરી રહ્યો છું. મેં હંમેશા લેબર પાર્ટીના મૂલ્યોની જાળવણી કરી છે. હું લેસ્ટરને પ્રાથમિકતા આપવાનું વચન આપું છું.
કીથ વાઝ 1987થી 2019 એમ 32 વર્ષ સુધી લેસ્ટર ઇસ્ટના સાંસદ રહી ચૂક્યા છે.