લંડનઃ બ્રિટનમાં લાગુ કરાયેલા નવા આકરા વિઝા નિયમો દેશને જ નુકસાન કરી રહ્યાં છે અને શ્રેષ્ઠ કુશળતા ધરાવતા લોકોને દેશમાં આવતાં અટકાવી રહ્યાં છે તેવી ચેતવણી હાઉસ ઓફ લોર્ડ્સની સાયન્સ એન્ડ ટેકનોલોજી કમિટીએ સરકારને આપી છે. કમિટીએ જણાવ્યું છે કે કુશળ અનુસ્નાતક અને પીએચડીના વિદ્યાર્થીઓ, સંશોધકો, વૈજ્ઞાનિકો અને ટેકનિકલ નિષ્ણાતો યુકે આવવાનું પસંદ કરી રહ્યાં નથી.
કમિટીએ જણાવ્યું હતું કે, આકરા નિયમોના પરિણામે બ્રિટનમાં એઆઇ સહિતના મહત્વના સેક્ટરોમાં કુશળ લોકોની અછત સર્જાઇ રહી છે. સરકારે વિઝા નિયમોની સમીક્ષા કરવી જોઇએ. વિઝા માટેની ઊંચી ફી અને જડ ઇમિગ્રેશન સિસ્ટમ બ્રિટનને સ્પર્ધામાંથી બહાર ફેંકી રહ્યાં છે અને યુકેની કંપનીઓ, ચેરિટીઓ અને યુનિવર્સિટીઓને નુકસાન થઇ રહ્યું છે.
કમિટીએ હોમ ઓફિસને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પર તેના પરિવારને યુકેમાં લાવવા પર મૂકાયેલા પ્રતિબંધની સમીક્ષાની પણ ભલામણ કરી છે.
બીજીતરફ લેબર સાંસદો માઇગ્રેશન પર આકરું વલણ અપનાવવા વડાપ્રધાન સ્ટાર્મરને અપીલ કરી રહ્યા છે. જમણેરી વિચારધારા ધરાવતી રિફોર્મ યુકે પાર્ટીની વધી રહેલી લોકપ્રિયતાથી ડરેલા લેબર સાંસદો ઇચ્છે છે કે સરકાર માઇગ્રેશન પર આકરું વલણ અપનાવે જેથી મતદારોને સંદેશ આપી શકાય કે સરકાર પણ તે જ દિશામાં કામ કરી રહી છે. આ સાંસદો ઇચ્છે છે કે લીગલ અને ઇલલીગલ ઇમિગ્રેશન અને ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરવા સરકાર આકરું વલણ અખત્યાર કરે.