કૃત્રિમ ટેક્નિકથી જન્મેલા બાળકની ફળદ્રુપતા સામાન્યથી ઓછી હોઈ શકે

Saturday 08th October 2016 08:00 EDT
 
 

લંડનઃ કુદરતી ગર્ભાધાનથી જન્મેલા બાળકોની સરખામણીએ પરંપરાગત IVF સારવારથી અલગ ઈન્ટ્રા-સાયટોપ્લાઝમિક સ્પર્મ ઈન્જેક્શન (ICSI) ટેક્નિક દ્વારા જન્મેલા યુવાન પુરુષો પરના પરીક્ષણોએ દર્શાવ્યું છે કે તેમનામાં શુક્રાણુનો જથ્થો અને ગુણવત્તા ઓછાં હોય છે. પુરુષમાં સ્પર્મ કાઉન્ટ ઓછાં હોય કે તેના આકાર અને ગતિશીલતાની સમસ્યા હોય તેવા દંપતીને બાળજન્મમાં મદદ માટે ICSI ટેક્નિકનો ઉપયોગ થતો હોય છે. બાળજન્મ કુદરતી કે કૃત્રિમ પદ્ધતિએ થાય તો પણ માતાપિતાની આનુવાંશિક વિશેષતા કે ખામી સંતાનોમાં ઉતરી જ આવે છે.

ICSI ટેક્નિકથી જન્માવેલા ૧૮-૨૨ વયજૂથના યુવાન પુરુષો પર કરાયેલા પરીક્ષણોમાં શુક્રાણુનું પ્રમાણ અને ગતિશીલતા અડધા હોવાના તારણો મળ્યાં છે. પરીક્ષણોએ દર્શાવ્યું છે કે આ સમસ્યા બીજી પેઢીમાં પણ યથાવત રહે છે. જોકે, આ ટેક્નિકના કારણે આવું થતું હોવાની કોઈ સાબિતી મળી નથી. Vrije Universiteit Brussels ના પ્રોફેસર અને અભ્યાસના આલેખક આન્દ્રે વાન સ્ટ્રેટઘેમે જણાવ્યું છે કે આ ચિંતાનો વિષય નથી કારણે આવા પુરુષો પણ ICSI ટેક્નિકનો ઉપયોગ કરી શકે છે.

ઈન્જેક્શન દ્વારા સ્ત્રીબીજમાં સીધાં જ શુક્રાણુ દાખલ કરવાની આ ટેક્નિકના ઉપયોગથી સૌ પ્રથમ બાળકનો જન્મ ૧૯૯૨માં બ્રસેલ્સમાં થયો હતો. યુકેમાં હ્યુમન ફર્ટિલિટી એન્ડ એમ્બ્રિયોલોજી ઓથોરિટીના ૨૦૧૪ના રિપોર્ટ મુજબ ૩૭,૦૦૦થી વધુ દંપતીએ ICSI નો સહારો લીધો હતો અને તેનાથી ૯,૦૦૦ બાળકોનો જન્મ થયો હતો. તમામ IVFસાયકલ્સમાં ICSI નો હિસ્સો લગભગ અડધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter