ન્યૂ યોર્કઃ બ્રિટનની કેઇર્ન એનર્જી લિમિટેડ કંપનીએ ભારત સરકાર પાસેથી લેણા નીકળતા ૧.૭ બિલિયન યુએસ ડોલરની વસૂલાત માટે હવે પઠાણી ઉઘરાણી શરૂ કરી છે. કંપનીએ તેનું લેણું વસુલવા ભારત સરકારની સંપત્તિની જપ્તીની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે. આ અંતર્ગતના પહેલા પગલાંમાં કેઇર્ન એનર્જીએ ભારત સરકારની ફ્લેગશિપ એરલાઇન્સ એર ઇન્ડિયાના વિમાનો પર જપ્તી લાવવા માટે અમેરિકાની અદાલતમાં એર ઇન્ડિયા સામે દાવો માંડયો છે.
કેઇર્ન એનર્જી ભારત સરકારની વિદેશોમાં રહેલી સંપત્તિઓની જપ્તીની પ્રક્રિયા શરૂ કરતાં ન્યૂ યોર્કની અદાલતમાં એર ઇન્ડિયાને ભારત સરકારનું સાહસ ગણાવવા ખટલો દાખલ કરી દીધો છે. જો કોર્ટ એર ઇન્ડિયાને ભારત સરકારનું સાહસ ગણાવી દેશે તો કેઇર્ન અમેરિકામાં રહેલાં એર ઇન્ડિયાનાં વિમાન, અચલ સંપત્તિ અને બેન્ક ખાતાં જપ્ત કરવાની માગ કરી શકે છે.
શું છે સમગ્ર મામલો?
ઇન્ટરનેશનલ આબ્રિટ્રેશન કોર્ટે ડિસેમ્બર ૨૦૨૦માં ભારત સરકારને બ્રિટનની કંપની કેઇર્ન એનર્જી લિમિટેડને કર વિવાદ કેસમાં ૧.૨ બિલિયન ડોલરનું વળતર ચૂકવવાનો આદેશ જારી કર્યો હતો. લવાદ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, ભારત સરકારે ન્યાયી અને સમાન સુવિધાની ગેરંટીનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે વ્યાજ અને અન્ય ખર્ચ સહિત કેઇર્ન એનર્જીને ૧.૭ બિલિયન ડોલર ચૂકવવા આદેશ આપ્યો હતો. જો ભારત સરકારે બ્રિટિશ કંપનીને આ નાણાં ચૂકવી ન આપે તો તે વિદેશોમાં રહેલી ભારત સરકારની સંપત્તિઓ પર જપ્તી લાવી શકે છે.
કેઇર્ન એનર્જીએ ભારત સરકાર પાસેથી ૧.૭૨ બિલિયન અમેરિકન ડોલરની વસૂલાત માટે સંભવિત જપ્તી લાવવા માટે ભારતની વિદેશોમાં રહેલી ૭૦ બિલિયન ડોલરની સંપત્તિ અલગ તારવી છે. આ સંપત્તિઓમાં એર ઇન્ડિયાના વિમાનોથી માંડીને શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કાર્ગો જહાજો, ભારત સરકારની માલિકીની બેન્કોની સંપત્તિ, સરકારી ઓઇલ કંપનીઓના ઓઇલ અને ગેસ કાર્ગો જહાજોનો સમાવેશ થાય છે. આ સંપત્તિઓ વિવિધ દેશોના અધિકાર ક્ષેત્રમાં આવેલી છે.
ભારત સરકાર જો ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન કોર્ટના ચુકાદાનું સન્માન કરવાનો ઇનકાર કરશે તો કેઇર્ન એનર્જી આ સંપત્તિઓની જપ્તી માટે અમેરિકા અને સિંગાપોરની અદાલતોનાં દ્વાર ખખડાવવાની તૈયારીમાં છે.
ભારત કાનૂની જંગ માટે સજ્જ
દરમિયાન સૂત્રના જણાવ્યા અનુસાર ભારત સરકાર આ પ્રકારની જપ્તીને યોગ્ય કોર્ટમાં પડકારશે, પરંતુ તેણે પોતાની સંપત્તિ જપ્ત થતી બચાવવા માટે સંપત્તિના મૂલ્યને સમકક્ષ બેન્ક ગેરંટી જેવી કેટલીક ફાઇનાન્સિયલ સિક્યુરિટી રજૂ કરવી પડશે. આ પછી જો અદાલતને કેઇર્નના કેસમાં કોઇ વજૂદ નહીં લાગે તો અદાલત આ ગેરંટી ભારતને પરત કરી શકે છે. પરંતુ જો ભારત સરકાર આંતરરાષ્ટ્રીય લવાદ કોર્ટના ચુકાદાનું પાલન કરવામાં નિષ્ફળ ગઇ છે તેવું અદાલતને લાગશે તો કોર્ટ આ ગેરંટી કેઇર્નને સોંપી શકે છે.
ઉલ્લેખનીય છે કે કર વિવાદ કેસમાં આંતરરાષ્ટ્રીય લવાદ કોર્ટે બ્રિટિશ કંપની કેઇર્ન એનર્જી લિમિટેડની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને ભારત સરકારને કેઇર્નને ૧.૭ બિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે. કેઇર્ન એનર્જીના આ પગલાંના કારણે ભારત સરકાર પર ૧.૨ બિલિયન ડોલરની ચુકવણીનું દબાણ અચાનક વધી ગયું છે. ભારત સરકારે આ રકમ ઉપરાંત તેનું વ્યાજ અને કંપનીને કેસ લડવા માટે થયેલા ખર્ચ સાથે ૧.૭ બિલિયન ડોલરની ચૂકવણી કરવાની છે.
કેઇર્ન એનર્જીએ ૧૪ મેના રોજ ન્યૂ યોર્કની સધર્ન ડિસ્ટ્રિક્ટની કોર્ટમાં ખટલો દાખલ કરતાં માગ કરી હતી કે કંપનીએ ભારત સરકાર પાસેથી વસૂલવાની રકમ ચૂકવવા માટે એર ઇન્ડિયાને જવાબદાર ઠેરવવામાં આવે. એર ઇન્ડિયા ભારત સરકારની માલિકીની કંપની છે. ફક્ત દેખાવ પૂરતું એર ઇન્ડિયા સરકારથી અલગ હોવાનો દરજ્જો ઊભો કરાયો છે. આ તફાવત એટલા માટે સર્જાયો છે જેથી કેઇર્ન જેવી કંપનીઓથી ભારત સરકારની સંપત્તિઓને બચાવી શકાય. કંપનીએ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, નેધરલેન્ડ, સિંગાપોર અને કેનેડાની અદાલતોમાં ખટલા પણ માંડી દીધાં છે.
દરમિયાન ભારત સરકારના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, સરકાર કે એર ઇન્ડિયાને આ ખટલા અંગેની વિધિવત્ કોઈ નોટિસ પ્રાપ્ત થઈ નથી. જ્યારે પણ આ અંગેની નોટિસ પ્રાપ્ત થશે સરકાર અથવા તો સંબંધિત સંગઠન આ પ્રકારની ગેરકાયદેસર જપ્તી સામે જરૂરી પગલાં લેશે. સરકારે વિશ્વમાં જપ્ત કરવાના કોઈ પણ પ્રયાસને અટકાવવા એક ટીમ તૈયાર રાખી છે.
જપ્તી રોકવા વકીલોની ટીમ તૈયાર કરી
વિદેશોમાં ભારત સરકારની કોઇ પણ સંપત્તિની જપ્તી અટકાવવા જરૂરી તમામ પગલાં લેવાઇ રહ્યાં છે. ભારતે આંતરરાષ્ટ્રીય લવાદ કોર્ટના ચુકાદાને હેગની યોગ્ય કોર્ટમાં પડકાર આપ્યો છે. સરકારને વિશ્વાસ છે કે હેગની અદાલત દ્વારા આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન કોર્ટના ચુકાદાને રદ કરાશે. ભારત સરકારે કેઇર્ન દ્વારા જપ્તી અટકાવવા માટે વરિષ્ઠ કાનૂનવિદોની એક ટીમ પણ તૈયાર રાખી હોવાનું મનાય છે.
એર ઇન્ડિયા વેચવાના પ્રયાસોને ફટકો
ભારત સરકાર ખોટ કરી રહેલી એર ઇન્ડિયાને વેચવા માટે ઘણા લાંબા સમયથી પ્રયાસો કરી રહી છે. પરંતુ હવે કેઇર્ન એનર્જી દ્વારા દાખલ કરાયેલા ખટલાથી એર ઇન્ડિયા વેચવાના ભારત સરકારના પગલાંને મોટો ફટકો પડી શકે છે. આમ પણ એર ઇન્ડિયાની ખરીદી માટે કંપનીઓ આગળ આવી રહી નથી ત્યારે આ ઘટનાક્રમ એર ઇન્ડિયાના ખાનગીકરણને અટકાવી શકે છે.
વિદેશમાંથી રોકડ પાછી ખેંચવા ભારતનો આદેશ
આંતરરાષ્ટ્રીય લવાદ કોર્ટમાં કેઇર્ન સામે પરાજિત થયેલી ભારત સરકારે તેના હસ્તકની બેન્કોને સાતમી મેના રોજ તેમના ફોરેન કરન્સી ખાતાઓમાંથી ભંડોળ પાછા ખેંચી લેવાની સૂચનાઓ આપી હતી. ભારત સરકારને ભય છે કે કેઇર્ન એનર્જી સરકારી બેન્કોના વિદેશી ખાતાઓમાં રહેલા નાણાં પર જપ્તી લાવી શકે છે. નોસ્ટ્રો ખાતાઓમાંથી ફંડ પાછું ખેંચી લેવા સરકારે તેના દ્વારા સંચાલિત બેન્કોને સૂચના આપી હતી.
ભારતની કઈ સંપત્તિ પર કેઇર્નની નજર
• એર ઇન્ડિયાના વિમાનો, અચલ સપંત્તિ અને બેન્કખાતાં • શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનાં કાર્ગો જહાજો • સરકારી ઓઇલ કંપનીઓનાં ઓઇલ અને ગેસ કાર્ગો જહાજો